વિદેશી રોકાણકારો દ્વારા વર્ષ 2025ના આરંભના પ્રથમ છ સપ્તાહમાં જ ભારે વેચવાલી કરવામાં આવી છે.

આઉટફ્લોનો આ આંકડો રૂ.97,000 કરોડથી વધુનો છે. જે વાર્ષિક સરખામણીએ આ સમયગાળા દરમિયાન થયેલી સૌથી જંગી વેચવાલી છે. એફપીઆઈની આ તોતિંગ વેચવાલીને કારણે છેલ્લા એક દશક જેટલા સમયમાં ભારતીય માર્કેટની સૌથી ખરાબ વાર્ષિક શરૂઆત થઈ છે.

ભારતીય કંપનીઓના નબળાં પ્રદર્શનને કારણે કમાણીમાં ઘટાડો થવાથી તેમજ અમેરિકાની નીતિઓના પગલે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સ્ટોક્સની ભારે વેચવાલ કરી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અનુમાન મુજબ, ટેરિફ નીતિઓને કડક બનાવી દીધી છે. જેના પગલે અમેરિકાનું માર્કેટ વધુ આકર્ષક બન્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલર મજબૂત થયો છે. વિદેશી રોકાણકારો દ્વારા માર્કેટમાંથી થઈ રહેલા સતત પલાયનને કારણે બેન્ચમાર્ક નિફ્ટીમાં 2.6 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે નિફ્ટી મિડકેપ 100 તથા નિફ્ટી સ્મોલકેપ 100માં અનુક્રમે 11 ટકા અને 15 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2016 બાદથી પ્રથમ વખત એવું બન્યું છે કે, એફપીઆઈની ભારે વેચવાલીને કારણે વર્ષના આરંભના પ્રથમ છ સપ્તાહમાં જ માર્કેટની સૌથી નબળી શરૂઆત થઈ છે. આ ત્રણેય ઈન્ડાઈસિસ ઊંધા માથે પટકાયા છે. વિશ્વના ઉભરતાં બજારો પૈકી ભારત એફપીઆઈ તરફથી વેચવાલી મામલે મોખરે રહ્યું છે. ત્યારબાદ તાઈવાનમાં એફપીઆઈ તરફથી 2.5 અબજ ડોલરની વેચવાલી કરવામાં આવી છે.