રિટાયરમેન્ટ ફંડ બોડી ઈપીએફઓએ શનિવારે બે નવી સુવિધાઓ લાગુ કરી હતી. જેનો લાભ ઈપીએફઓ સાથે સંકળાયેલા 7.6 કરોડથી વધુ સભ્યોને મળશે.
હવેથી સભ્યો એમ્પ્લોયરના કોઈપણ વેરિફિકેશન અથવા ઈપીએફઓ પાસેથી મંજૂરી વિના નામ તથા જન્મ તારીખ જેવી અંગત વિગતો ઓનલાઈન બદલી શકશે. ઉપરાંત ઈ-કેવાયસી ઈપીએફ એકાઉન્ટ્સ (આધાર સીડ્ડ) ધરાવતાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) સભ્યો એમ્પ્લોયરના હસ્તક્ષેપની જરૂર વિના સીધા જ આધાર ઓટીપી સાથે તેમના ઈપીએફ ટ્રાન્સફર દાવા ઓનલાઈન ફાઈલ કરી શકશે. કેન્દ્રીય શ્રામ અને રોજગાર મંત્રાલય દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
આ સુવિધા એવા સભ્યો માટે ઉપલબ્ધ રહેશે, જેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન), પહેલી ઓક્ટોબર 2017 (જ્યારે આધાર મેજિંક ફરજિયાત કરવામાં આવ્યું હતું) પછી જારી કરવામાં આવેલ હોય. આવા કિસ્સામાં કોઈ સહાયક દસ્તાવેજની જરૂરી નથી. જો યુએએન પહેલી ઓક્ટોબર 2017 પહેલાં જારી કરવામાં આવ્યું હોય તો એમ્પ્લોયર ઈપીએફઓની મંજૂરી વિના વિગતો સુધારી શકે છે. આવા કેસ માટે સહાયક દસ્તાવેજોની જરૂરિયાતને પણ સરળ બનાવવામાં આવી છે. ફક્ત જ્યાં યુએએન આધાર સાથે લિંક ન હોય તેવા કેસમાં કોઈપણ કરેક્શન એમ્પ્લોયરને ભૌતિક રીતે સબમિટ કરવું પડશે અને ચકાસણી પછી મંજૂરી માટે તેને ઈપીએફઓને મોકલવામાં આવશે. યુએએન નોંધણી એમ્પ્લોયર દ્વારા કર્મચારીના જોડાવાના સમયે કરવામાં આવે છે. ઘણાં કર્મચારીઓ માટે નોંધણી પ્રક્રિયા દરમિયાન અથવા પછીથી પિતા-પત્નીનું નામ, વૈવાહિક સ્થિતિ, રાષ્ટ્રીયતા અને સેવાની વિગતો રેકોર્ડ કરવામાં નોકરીદાતાઓ દ્વારા ભૂલો કરવામાં આવતી હતી. આ ભૂલોને સુધારવા માટે કર્મચારીએ સહાયક દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી દાખલ કરવી પડતી હતી.
ઈપીએફ ખાતાના સ્થાનાંતરણ માટેના દાવાની પ્રક્રિયાને સરળ બનાવવા વિશે, સંપૂર્ણ સુસંગત ઈ-કેવાયસી ઈપીએફ ખાતા ધરાવતાં ઈપીએફ સભ્યો એમ્પ્લોયરના હસ્તક્ષેપની જરૂર વગર સીધા ઈપીએફઓ સાથે આધાર ઓટીપી સાથે તેમના ઓનલાઈન ટ્રાન્સફર દાવાને ફાઈલ કરી શકશે. જો નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન દાખલ કરાયેલા દાવાની સંખ્યા 1.3 કરોડ ગણવામાં આવે તો 94 ટકા કરતાં વધુ દાવા તુરંત જ ઈપીએફઓ સુધી પહોંચી જશે. ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ પ્રોસેસિંગનો ટર્નઅરાઉન્ડ ટાઈમ ઘણો ઓછો થઈ જશે. કારણ કે, તેને એમ્પ્લોયરની મંજૂરીની જરૂર નથી. જો કોઈ સભ્યએ પહેલાથી જ પોતાનો ટ્રાન્સફર દાવો દાખલ કર્યો હોય જે એમ્પ્લોયર પાસે પેન્ડિંગ હોય તો સભ્ય પહેલાથી ફાઈલ કરેલી વિનંતીને ડિલીટ કરી શકે છે અને ઈપીએફઓ પાસે સીધો જ દાવો સબમિટ કરી શકે છે.
દેશમાં ઈપીએફઓ (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)ના દસ કરોડથી વધુ લાભાર્થીઓ છે. જ્યારે ઈપીએફઓમાં કોઈની માહિતી સુધારવાની હોય છે ત્યારે ઘણી વખત લાંબો સમય પસાર કરવો પડે છે. જે પ્રક્રિયામાં હવે ઘણાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં એક મહત્વપૂર્ણ સુધારો એ છે કે, હવેથી કોઈપણ હસ્તક્ષેપ વિના સભ્યો જાતે જ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ઈપીએફઓમાં આપેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરી શકશે.
સભ્યો દ્વારા દાખલ કરાયેલી લગભગ 27 ટકા ફરિયાદો મેમ્બર પ્રોફાઈલ-કેવાયસી મુદ્દા સાથે સંબંધિત હોય છે. નવી સુવિધા જાહેર કરવામાં આવ્યા બાદ હવે ફરિયાદના પ્રમાણમાં ઘટાડો થશે. વિશાળ વર્કલોડ ધરાવતાં મોટા એમ્પ્લોયરોને પણ ફાયદો થશે. ઈપીએફઓએ કર્મચારીઓને નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, પિતા-માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જીવનસાથી જેવી અંગત વિગતોમાં સૌથી સામાન્ય ભૂલોને સ્વ-સુધારવાની મંજૂરી આપીને ઈપીએફઓ પોર્ટલ પર સંયુક્ત ઘોષણા કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. સભ્ય એમ્પ્લોયરના હસ્તક્ષેપ કે ઈપીએફઓની મંજૂરી વિના નામ, જોડવાની તારીખ, છોડવાની તારીખ વગેરેમાં સુધારા કરી શકશે.
નાણાંકીય વર્ષ 2024-25માં નોકરીદાતાઓ દ્વારા ઈપીએફઓને મોકલવામાં આવેલી આઠ લાખ ફરિયાદો પૈકી 40 ટકા ફરિયાદો પાંચ દિવસમાં મોકલવામાં આવી હતી. 47 ફરિયાદો દસ દિવસ પછી મોકલવામાં આવી હતી. એમ્પ્લોયર દ્વારા લેવામાં આવેલો સરેરાશ સમય 28 દિવસ હતો. સરળીકરણથી 45 ટકા કર્મચારીઓને ઓટીપીના માધ્યમથી વેરિફિકેશનના પગલે તાત્કાલિક સુધારણાની રાહત મળશે. બાકીના 50 ટકા મામલામાં નોકરીદાતા દ્વારા જ સુધારા કરવામાં આવશે. જો કોઈ સભ્ય પોતે સુધારા કરી શકે છે અને તેણે પહેલાથી જ ફરિયાદ કરેલી છે અને તે નોકરીદાતા પાસે પડતર છે તો સભ્ય પહેલાથી દાખલ અનુરોધને દૂર કરી શકશે. જેથી આજની તારીખ સુધી નોકરીદાતાઓ પાસે પડતર લગભગ 3.9 લાખ મામલામાં લાભ થશે.