અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અલગ અલગ દેશો ઉપર ટેરિફ્ લગાવવામાં આવ્યા બાદ વૈશ્વિક સ્તરે ટેરિફ્ વોર શરૂ થવાના ભયથી બુલિયન માર્કેટમાં સપ્તાહ દરમ્યાન ઉથલ પાથલ જોવા મળી હતી. બીજી તરફ્ ભારતમાં હજુ તેની કોઈ મોટી અસર દેખાઈ નથી. વૈશ્વિક પરિબળો પાછળ સ્થાનિક બજારમાં સાવચેતીનું વલણ રહેતા સોના અને ચાંદીના ભાવ ધીમી પણ મક્કમ ગતિએ વધ્યા હતા. શુક્રવારે પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
અમદાવાદ ખાતે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.100 વધી રૂ.88,900 થયો હતો. તેમજ 22 કેરેટનો ભાવ રૂ.88,600 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદી કિલો દીઠ રૂ.500 વધી રૂ.97,000ના સ્તરે પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હાજર સોનું 2,905 ડોલર સામે 2,919 ડોલર પ્રતિ ઔંસ હતું. વૈશ્વિક ચાંદી 32.40 ડોલર સામે 32.57 ડોલર પ્રતિ ઔંસ હતી.
