એક અગ્રણી બિઝનેસ પોર્ટલમાં પ્રકાશિત અહેવાલ મુજબ ચીનમાં શાંગહાઇમાં એવા ગોલ્ડ એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે કે જેમાં તમે સોનું કે સોનાના ઘરેણા નાંખો એટલે આ મશિન તરત જ આ સોનાને પીગાળી નાંખે છે.
તેની શુદ્ધતા અને વજન ચકાસી લે છે અને આ સોનાની જેટલી રકમ થતી હોય એટલી રકમ બેંક ખાતામાં જમા થઇ જાય છે. આ સમગ્ર પ્રોસેસ માત્ર ત્રીસ મિનિયના સમયગાળામાં જ પૂરી થાય છે અને તે પૂર્ણ કરવા માટે તમારે કોઇ પણ પ્રકારની કાગળની કાર્યવાહી કરવાની રહેતી નથી. ચીનના કિંગહુડ ગ્રુપ દ્રારા આ મશિન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
ચીનના શાંગહાઇ ખાતે આવેલા એક મોલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલુા આ ગોલ્ડ એટીએમમાં ત્રણ ગ્રામથી વધુ વજન ધરાવતા અને 50 ટકાથી વધુ શુદ્ધતાં ધરાવતા સોનાના ઘરેણાં કે અન્ય કોઇ વસ્તુ નાંખી શકાય છે. સમાચાર માધ્યમોમાં ચમકેલા અહેવાલો મુજબ આ ગોલ્ડ એટીએમમાં પોતાના પરંપરાગત ઘરેણાં વેચવા માટે ભારે ધસારો થયો હતો અને લાઇનો લાગી હતી. ચાઇનાટાઇમસ ..ડોટ કોમમાં પ્રકાશિત અહેવાલ મુજબ આ ગોલ્ડ એટીએમનો ઉપયોગ કરવા માટેના મે મહિનાના તમામ સ્લોટનું બુકિંગ થઇ ગયું છે. આ રિપોર્ટ એમ પણ જણાવે છે કે આ મશિન કેવી રીતે કામ કરે છે તેનો ચિતાર આપતા એક વિડિયોમાં 40 ગ્રામનો એક ગોલ્ડ નેકલેસ તેમાં નાંખવામાં આવ્યો હતો અને તેનું મૂલ્ય 785 યુઆન (પ્રતિ 10 ગ્રામ રૂ. 9,200) નક્કી થયું હતું અને 30 મિનિટમાં આ નેકલેસ નાંખનાર વ્યક્તિના ખાતામાં કુલ 36,000 યુઆનથી થોડી વધારે રકમ એટલે કે રૂ. 4.2 લાખ જમા થઇ ગયા હતા. આ અહેવાલમાં શાંગહાઇ ગોલ્ડ એસોસિયેશનના એક સભ્યએ જણાવ્યું હતું કે આ સ્માર્ટ ગોલ્ડ એટીએમ ગોલ્ડના કારોબારની દ્રષ્ટિએ એક રિસાયલિંગ યુનિટ તરીકે કામ કરે તે હેતુથી તેનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.