અમદાવાદ સોના-ચાંદી બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં 500 રૂપિયા ઘટયા હતા. જ્યારે ચાંદીમાં 1,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે સોનું 96,000 રૂપિયે પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 95,500 રૂપિયે કિલો થયું હતું. વૈશ્વિક બજારમાં સોનામાં 15 ડોલર ઘટયા હતા આ સાથે સોનું 3,223 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદીમાં 31 સેંન્ટ ઘટયા હતા. ચાંદી 32.30 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX સોનામાં જુન માસનો વાયદો 704 રૂપિયા ઘટીને 93,041 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે MCX ચાંદીમાં મે માસનો વાયદો 435 રૂપિયા વધીને 94,721 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી.

કોમેક્સ સોનું 32.90 ડોલર ઘટીને 3,211.70 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 0.25 સેંન્ટ ઘટીને 31,885 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. અમેરિકા-ચીન વચ્ચે ચાલતી ટ્રેડ વોર અને મંદીની આશંકાઓ વચ્ચે આ વર્ષે સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઉંચાઇઓ મેળવશે તેવું જાણકારોનું માનવું છે. ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ એક લાખ રૂપિયાથી વધારે જઇ શકે છે તેવી પણ શક્યતાઓ રહેલી છે. મંદીના સમયમાં સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. ડોલરની તુલનામાં રૂપિયો કમજોર પડયો છે. જેના કારણે પણ સોનાની કિંમત વધી રહી છે. લગ્નગાળો નજીક આવી રહ્યો છે. આવામાં સોનાના દાગીનાની માંગ વધી છે.

2025ના અંત સુધીમાં સોનું 3,700 ડોલરે પહોંચશે : ગોલ્ડમેન સાક્સ

વૈશ્વિક ઇન્વેસટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સે પોતાના કોમોડિટી આઉટલુક રિપોર્ટમાં 2025ના અંત સુધીમાં સોનાના ભાવ માટેનો ટાર્ગેટ નોંધપાત્ર પ્રમાણમાં વધારીને પ્રતિ ઔંસ 3,700 ડોલર કર્યો છે. અગાઉ આ બેંકે વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધીને 3,300 ડોલર થશે એવી આગાહી કરી હતી જેમાં હવે 4,00 ડોલરનો વધારો કરવામાં આવ્યો છે. બેંકે ટાર્ગેટમાં કરવામાં આવેલા આ વધારા માટે મધ્યસ્થ બેંકોમાં સોનાની માંગ ધાર્યા કરતા વધારે છે તે બાબત અને અર્થતંત્ર મંદીમાં સરી પડવાની વધતી શક્યતા એ બે પરિબળને જવાબદાર ગણાવ્યા છે. આ બન્નેના કારણે ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણ વધી રહ્યું છે એમ પણ આ રિપોર્ટ જણાવે છે. ચાલુ વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 23 ટકાનો વધારો નોંધાયો છે અને પાછલા સપ્તાહે શુક્રવારે સોનાએ પ્રતિ ઔંસ 3,200 ડોલરની સપાટી સૌપ્રથમ વાર પાર કરી હતી. ચાલુ વર્ષમાં સોનું લગભગ રોજેરોજ નવી સપાટી સર કરતું જોવા મળ્યું છે. જોકે પાછલા શુક્રવારે વિક્રમી ટોચ બનાવ્યા પછી તેમાં ઘટાડાની ચાલ છે.