US ડોલરમાં થયેલો સુધારો અને મિડલ ઈસ્ટમાં તણાવ ઓછો થવાની સંભાવના વચ્ચે સોનામાં સતત બીજા દિવસે ભાવો દબાયા હતા. વૈશ્વિક બજારો પાછળ સ્થાનિકમાં પણ હાજર સોનામાં ઘટાડો થયો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય ચાંદીમાં નજીવો ઘટાડો હતો જ્યારે સ્થાનિક ચાંદીમાં ભાવ સામાન્ય વધ્યા હતા. બીજી તરફ્ વાયદામાં નીચલા મથાળે શોર્ટ કવરિંગ રહેતા ભાવો ઊંચકાયા હતા.
અમદાવાદમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 1200 ઘટીને રૂ. 78,300 થયું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 78,100 પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદી રૂ. 500 વધીને રૂ. 90,000 પ્રતિ કિલો થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ફિઝિકલ સોનું 2,672 ડોલર સામે 42 ડોલર નીચું આવીને 2,630 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. વૈશ્વિક ચાંદી 30.75 ડોલર સામે 25 સેંટ ઘટી 30.50 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
વાયદામાં MCX ઉપર સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 88 વધી રૂ. 75,311 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેમજ ફેબ્રુઆરી વાયદો રૂ. 204 વધીને રૂ. 75,988 પ્રતિ 10 ગ્રામ હતો. MCX ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 844 વધી રૂ. 87,699 પ્રતિ કિલો રહ્યો હતી અને માર્ચ કોન્ટ્રાક્ટ રૂ. 825 વધી રૂ. 90,004 પ્રતિ કિલો હતો. મંગળવારે મોડી સાંજે કોમેક્સ સોનું 12.90 ડોલર વધી 2,631.40 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 36.6 સેંટ વધી 30.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.
બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત ડોલર અને સંભવિત ઇઝરાયેલ-હિઝબુલ્લાહ યુદ્ધવિરામના અહેવાલોને કારણે મંગળવારે સોનાના ભાવ એક સપ્તાહ કરતાં વધુ સમયની સૌથી નીચી સપાટીએ આવી ગયા હતા. જીઓ-પોલિટિકલ ટેન્શન હળવું થવાની સંભાવના વચ્ચે રોકાણકારોનો રસ બુલિયનમાં ઓછો થયો છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં તમામ આયાત પર 25% ટેરિફ્ની ધમકી આપ્યા બાદ ડોલર વધ્યો હતો.
હાજર બજારથી વિપરીત વાયદામાં નીચલા મથાળે સત્તારૂપી ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને ચાંદીમાં વોલેટાલિટી વધારે રહી હતી. ચાર્ટ મુજબ ચોપીનેસ ઇન્ડેક્સ નીચે ઉતરી રહ્યો છે તે સૂચવે છે કે આવતા દિવસોમાં વોલેટિલિટીનું પ્રમાણ વધી શકે છે. કીમતી ધાતુઓમાં ટ્રેડર્સ ખરીદી માટેનો કોલ વધુ સૂચવી રહ્યા છે.