અમદાવાદની બુલિયન બજારમાં આજે નવા રેકોર્ડ સર્જાયા હતા. સોનામાં રૂ.2,300 અને ચાંદીમાં રૂ.1,000નો વધારો નોંધાયો છે. આ સાથે જ સોનામાં રૂ.96,300ની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાઈ છે.

છેલ્લે સોનાની ઓલટાઈમ હાઈ સપાટી રૂ.94,000 હતી. અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફનો અમલ 90 દિવસ માટે મૂલત્વી રાખી હોવા છતાં ચીન પર 145 ટકા ટેરિફ લાદવાના કારણે ટ્રેડ વોર વધુ વકરશે એવી ભીતિએ સલામત રોકાણ ગણાતા સોનાની માંગ વધતાં આ પીળી ધાતુએ નવી ટોચ બનાવી છે.

વૈશ્વિક બજારમાં પણ સોનુ 97 ડોલર વધ્યું છે. આ સાથે સોનું 3221 ડોલર પ્રતિ અંશ થયું છે. વૈશ્વિક બજારમાં ચાંદી 41 સેન્ટ વધીને 31.35 ડોલર પ્રતિ ઔંશ થઈ છે. દરમિયાન એમસીએક્સ પર સોનાનો જુન ડિલિવરીનો વાયદો પ્રતિ 10 ગ્રામ 93,736ની તેની વિક્રમી ટોચે પહોંચ્યો હતો અને પાછળથી થોડા ઘટાડા સાથે 93,240ની સપાટીએ પહોંચ્યો હતો. જે પાછલા બંધથી રૂ. 1,207 એટલે કે 1.31 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે વાયદામાં ઓપન ઇન્ટ્રેસ્ટના લોટની સંખ્યા 19,722 નોંધાઇ હતી. ન્યુયોર્ક ખાતે ફ્યુચર્સમાં પણ સોનું 2 ટકા વધીને 3,240ની વિક્રમી ટોચે પહોંચ્યું હતું. ડોલર ઇન્ડેક્સ ઘટીને ત્રણ વર્ષમાં પહેલી વાર 100થી નીચે જતાં આ વધારો જોવા મળ્યો છે. કોમેક્સ સોનામાં 59.40 ડોલર વધીને 3,236.90 ડોલર પ્રતિ અંશ સોનું થયું છે. જ્યારે ચાંદી 5.61 સેન્ટ વધીને 31,320 ડોલર પ્રતિઅંશ થઈ છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુએસએ ભલે અન્ય દેશો પર લાદેલી રેસિપ્રોકલ ટેરિફના અમલમાં 90 દિવસની રાહત આપી પરંતુ ચીન પર યુએસ દ્રારા 145 ટકાની ટેરિફ લાદવામાં આવતા આ બન્ને દેશો વચ્ચેનું ટ્રેડ વોર હજી કેટલું વકરશે એ નક્કી થતું ન હોવાથી રોકાણકારોમાં સલામત રોકાણ ગણાતા સોનામાં રોકાણ કરવા ધસારો થઇ રહ્યો છે જેના કારણે ભાવમાં વધારાની ચાલ જોવા મળી છે. આ ઉપરાંત મિડલ ઇસ્ટમાં જિયો પોલિટિકલ અસ્થિરતા વધતા તેના કારણે પણ સોનામાં રોકાણ કરવા ધસારો થઇ રહ્યો છે.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા મુજબ સોનામાં હાલ જે તેજી ઉપડી છે તેની પાછળ વિશ્વની મધ્યસ્થ બેંકો, એશિયન રોકાણકારોનો સિંહફાળો છે. હળવે હળવે પિૃમના રોકાણકારો પણ સોનાની ખરીદી તરફ વળ્યા હોવાથી સોનામાં હજુ તેજી આવવાની શક્યતા છે. બીજી તરફ ચીને ઇન્શ્યોરન્સ સેક્ટરના એક ટકા ફંડને સોનામાં ઇન્વેસ્ટ કરવાની મંજૂરી આપી છે. તેના કારણે આગામી દિવસોમાં સોનાની મોટાપાયે ખરીદી શરૂ થશે. જે સોનાની તેજીમાં મહત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત ઇટીએફમાં સોનામાં મોટાપાયે રોકાણ થઇ રહ્યું છે.