અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીમાં કિલોએ 2,000 રૂપિયા જ્યારે સોનામાં 10 ગ્રામે 1,600 રૂપિયા વધ્યા હતા.
આ સાથે અમદાવાદમાં સોનું 94,000ની તેની ઓલટાઇમ હાઇ સપાટીને ફરીથી સ્પર્શી ગયું હતું. ચાંદી 93 હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગઇ છે. વૈશ્વિક બજારમાં પણ સોનું 80 ડોલર વધીને 3,124 ડોલર પ્રતિ ઔંસે પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 58 સેંન્ટ વધીને 30.94 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોનું ગત તા. 1 એપ્રિલની તેની 94,000 રૂપિયાની ઓલટાઇમ હાઇ સપાટીએ પાછું આવી ગયું છે. જ્યારે ચાંદી તેની 1,01,000 રૂપિયાની ઓલટાઇમ હાઇ સપાટીથી 8 હજાર રૂપિયા પાછું પડી ગયું છે.
MCX સોનામાં જુન માસનો વાયદો 1,391 રૂપિયા વધીને 91,195 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ બોલાયો હતો. જ્યારે ચાંદીમાં મે માસનો વાયદો 279 રૂપિયા વધીને 91,423 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. કોમેક્સ બજારમાં સોનું 58.20 ડોલર વધીને 3,137.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 3.70 સેંન્ટ વધીને 30,785 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. જાણકારોના જણાવ્યા મુજબ સોનાની તેજીમાં વર્લ્ડની સેન્ટ્રલ બેંકો એશિયન રોકાણકારોનો સિંહફાળો છે. ધીમેધીમે વેસ્ટર્ન ઇન્વેસ્ટરો પણ સોનાની ખરીદી તરફ વળ્યા હોવાથી સોનામાં હજુ તેજી આવવાની વકી છે. બીજી તરફ ચીને ઇન્શ્યોરન્સ સેક્ટરના એક ટકા ફંન્ડને સોનામાં ઇન્વેસ્ટ કરવાની મંજૂરી આપતા આગામી દિવસોમાં સોનાની મોટાપાયે ખરીદી શરૂ થશે. જે સોનાની તેજીમાં મહત્વનો ભાગ ભજવશે. બીજી તરફ ઇટીએફમાં સોનામાં મોટાપાયે રોકાણ થઇ રહ્યું છે.
ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અમેરિકા સહિત વિશ્વભરના શેરબજાર ઉંધા માંથે પછડાતા આખરે ટ્રમ્પે તેની બહુવિવાદિત અને બહુચર્ચિત ટેરિફ પોલીસીનો અમલ 90 દિવસ સુધી રોકી રાખવાનો નિર્ણય લીધો છે. છતાંય મહત્વની બાબત એછેકે રોકાણકારો શેરબજારમાં જોખમ લેવાથી અંતર રાખી રહ્યા છે. જ્યારે સેફ રોકાણના વિકલ્પ સોનામાં રોકાણ આંખો બંધ કરીને કરી રહ્યા છે. જેના કારણે સોનામાં તેજી જોવા મળી રહી છે.