છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક બજારમાં સોનાએ અત્યાર સુધીમાં 36 ટકા જેટલું વળતર આપ્યું છે. સોનાનું આ વળતર વિશ્વના મોટા ભાગના તમામ શેરબજારોના મુખ્ય સુચકાંકોએ આપેલા વળતર કરતાં અનેક ગણું વધારે છે અને કોઇ એક વર્ષમાં સોનાએ આપેલું આ વળતર છેલ્લા પાંચ વર્ષનું સૌથી વધુ વળતર છે.

આની તુલનાએ યુએસના શેરબજારના મુખ્ય સુચકાંકો પૈકી એસ એન્ડ પી 500એ છેલ્લા એક વર્ષમાં 12 ટકાનું અને નાસ્ડેકે 13.5 ટકાનું વળતર આપ્યું છે. ભારતીય શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સે છેલ્લા એક વર્ષમાં 11.25 ટકાનું અને નિફ્ટીએ 11.02 ટકાનું વળતર આપ્યું છે.

જોકે છેલ્લા પાંચ વર્ષના સમયગાળાની વાત કરીએ તો એસ એન્ડ પી 500 અને નાસ્ડેકે પાંચ વર્ષમાં અનુક્રમે 105 ટકા અને 110 ટકાનું વળતર આપ્યું છે. આની તુલનાએ સોનાએ છેલ્લા પાંચ વર્ષમાં આપેલા વળતરની ટકાવારી 87 ટકા જ છે. સેન્સેક્સ અને નિફ્ટીએ પાંચ વર્ષમાં આપેલા વળતરની ટકાવારી અનુક્રમે 161 ટકા અને 170 ટકા છે. જોકે હવ આગામી એક વર્ષની વાત કરીએ તો નિષ્ણાતોના મતે સોનાના ભાવ આગામી એક વર્ષમાં મોટા ભાગે સ્થિર રહે અથવા તો તેમાં 5થી 10 ટકાનો ઘટાડો આવે એ શક્ય છે. આના કારણે આગામી એક વર્ષમાં સોનાનું વળતર ઇક્વિટી કરતાં નીચુ રહે એવી સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરે છે. આવી આગાહીને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ફંડો પણ તેમનો સોનાનું ખાસ કરીને ગોલ્ડ ઇટીએફનું રોકાણ ઘટાડીને ઇક્વિટીમાં રોકે એવી શક્યતા પણ નિવારી શકાતી નથી.

યુએસ અને ભારતના ઇક્વિટી બજારમાં તેજી જોવા મળે તે માટેના જવાબદાર કારણો એ છે કે યુએસ અને ચીન વચ્ચેનું ટ્ેડ વોર હળવું થયું છે અને હવે બન્ને દેશો એકબીજાને માન્ય હોય એવી શરતોને આધારે ટ્રેડ ડિલ ફાઇનલ કરે એવી શક્યતા છે. આવી જ રીતે ભારત અને યુએસ વચ્ચેનું ટ્રેડ ડિલ પણ ફાયનલ થાય એવી ધારણા નિષ્ણાતો રાખે છે. આ ઉપરાંત બન્ને દેશોમાં મધ્યસ્થ બેંકો દ્રારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે એવી શક્યતા પણ મજબૂત બની છે. બીજી તરફ સોનાની માંગ અને ભાવ બન્ને ઘટે એવું માનવા માટે પણ અનેક કારણો છે. સૌપ્રથમ તો યુએસના ટ્રેડ વોરને કારણે યુએસનું અને વિશ્વનું અર્થતંત્ર નબળું પડશે એવી ભીતિ હવે ધીરે ધીરે દુર થતી જાય છે, જેને પગલે ડોલર મજબૂત બને અને સોનું નરમ બને એવી શક્યતા છે. બીજુ કારણ એ પણ છે કે સોનાની માંગ વધે એટલે વિશ્વભરમાં આ પીળી ધાતુંના ઉત્પાદનની પ્રવૃત્તિએ વેગ પકડયો છે. આના કારણે પુરવઠો વધતાં તેના કારણે પણ ભાવ ઘટે એવી શક્યતા છે. જો યુક્રેન અને રશિયા વચ્ચે સમાધાન થઇ જાય અને મિડલ ઇસ્ટના તણાવનો પણ અંતે આવે તો એવા સંજોગોમાં તો સોનાના ભાવ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી શકે છે.