દેશની વિવિધ બેંકો દ્રારા અપાતા ધિરાણની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024-25માં ગોલ્ડ લોન હેઠળ લેવામાં આવેલા ધિરાણનો આંકડો 103 ટકા વધીને રૂ. 2.1 લાખ કરોડ પર પહોંચ્યો છે.

જેનું કુલ કદ 2023-24ના અંતે રૂ. 1 લાખ કરોડ હતું. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં આશરે 37 ટકા જેટલી તેજી જોવા મળી છે ત્યારે આ તેજીનો લાભ લેવા માટે ભારતીય નાગરિકોએ વિવિધ ખર્ચ માટે સોના સામે લોન લેવાનો વિકલ્પ વધુને વધુ પ્રમાણમાં અપનાવ્યો છે. 2023-24માં કુલ ધિરાણનો વૃદ્ધિદર 20 ટકા હતો, જે 2024-25માં ધીમો પડીને 11 ટકા ઘટયો છે, ત્યારે ગોલ્ડ લોનના કદમાં 101 ટકાનો વધારો નોંધાયો છે.

ગોલ્ડ લોનમાં થયેલી આવી વૃદ્ધિ માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. 2023માં આરબીઆઇએ કેટલીક ચોક્કસ પ્રકારની કૃષિ લોનને ગોલ્ડ લોન તરીકે વર્ગીકૃત કરવા આદેશ આપ્યો હતો, જેના કારણે ગોલ્ડ લોન થોડું ઘણું વધ્યું છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં ગોલ્ડ આધારિત લોન આપવામાં આવે તેને બેંકો દ્રારા કૃષિ લોન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, કારણ કે આવા વર્ગીકરણને લીધે આ લોનને પ્રાયોરિટી લેન્ડિંગ હેઠળ ગણી શકાય છે. આથી બેંકોને પણ તેમનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સહાય મળે છે અને ગ્રાહકોને પણ ઓછા વ્યાજદરે અને પરત ચુકવણીમાં રાહત મળે તે રીતે લોન મળે છે. સોનાના ઐતિહાસિક ઊંચાઇએ પહોંચેલા ભાવ પણ આ વધારા માટે જવાબદાર છે.

ગોલ્ડ લોનના કદમાં ભલે આટલી નોંધપાત્ર વૃદ્ધિ થઇ હોય પરંતુ કુલ ધિરાણના કદમાં વધારાની ગતિ ધીમી પડી છે. માર્ચ, 2025ના અંતે બેંકો દ્રારા આપવામાં આવેલા કુલ ધિરાણનો આંકડો રૂ. 182 લાખ કરોડ હતો, જે પાછલા વર્ષની તુલનાએ 11 ટકાનો વધારો દર્શાવે છે. આની તુલનાએ અગાઉના વર્ષમાં આ વૃદ્ધિદર 20 ટકા હતો. કુલ લોનનો વૃદ્ધિદર ધીમો પડયો તેના માટે ઉદ્યોગજગતમાં આપવામાં આવેલી લોનનો આંકડો ઘટયો તે પરિબળ પણ મહદ અંશે જવાબદાર છે. ઉદ્યોગજગતને આપવામાં આવતી લોનનો વૃદ્ધિદર 2023-24માં 6.4 ટકા હતો, જે 2024-25માં ઘટીને 6.2 ટકા થયો છે. આના કારણે કુલ ધિરાણમાં ઉદ્યોગજગતનો હિસ્સો ઘટીને 21.5 ટકા થયો છે.

બીજી તરફ કુલ ધિરાણમાં સર્વિસીસ પેટે અપાતી લોનનો હિસ્સો વધીને 28.6 ટકા થયો છે, જ્યારે પર્સનલ લોનનો હિસ્સો 32.4 ટકાથી વધીને 32.6 ટકા થયો છે. હોમલોનનો હિસ્સો 16.5 ટકાના સ્તરે યથાવત રહ્યો છે. ગોલ્ડ લોનનો હિસ્સો એક વર્ષ અગાઉ 0.6 ટકા હતો તે હવે વધીને 1.1 ટકા થયો છે. ગોલ્ડ લોન પછી સિક્યોરિટીઝ સામે અપાતી લોનના કદમાં બીજા ક્રમનો સૌથી મોટો વધારો નોંધાયો છે. આ ક્ષેત્રે લોનનું કદ 18.7 કા વધીને રૂ. 10,080 કરોડ થયું છે. કન્ઝયુમર ડયુરેબલ્સ માટે અપાતી લોન એ એક માત્ર એવું ક્ષેત્ર છે કે જેના કદમાં 2024-25માં ઘટાડો નોંધાયો છે. આ કદ 2024-25માં 1.3 ટકા ઘટીને રૂ. 23,402 કરોડ થયું છે. કુલ પર્સનલ લોનમાં હોમ લોનનો હિસ્સો 16.5 ટકા અને તેનું કુલ કદ રૂ. 30.1 લાખ કરોડ છે.