અમદાવાદ સોના-ચાંદી બજારમાં બુધવારે એક જ દિવસમાં એક ઝાટકે સોનામાં 1,800 રૂપિયા અને ચાંદીમાં 1,500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. 24 કેટેરમાં 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 98,500 રૂપિયા થઇ ગયો હતો.

જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 98,000 રૂપિયા પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 74 ડોલર વધીને 3,310 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 64 સેંન્ટ વધીને 33.15 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX સોનામાં જુન માસનો વાયદો 679 રૂપિયા વધીને 95,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદીમાં જુલાઇ માસનો વાયદો પણ 413 રૂપિયા વધીને 97,701 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 27.90 ડોલર વધીને 3,312.50 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 1.41 સેંન્ટ વધીને 33,315 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોના-ચાંદીના ભાવમાં આ અઠવાડિયે વધુ એક મોટો ફેરફાર જોવા મળ્યો હતો. અચાનક જ ભાવમાં આવેલા ઉછાળાએ રોકાણકારોને રોમાચિંત કર્યા હતા. છેલ્લે તા.10 મેના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 98,500 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તે પછી સતત ઘટાડો થતો રહેતા 95,500 રૂપિયા સુધી ભાવ સરકી ગયો હતો. એટલે કે છેલ્લા 10 દિવસમાં સોનાનાં ભાવ 3 હજાર રૂપિયા ઘટયા હતા. જોકે તા.21 મેના રોજ સોનાના ભાવમાં આવેલા ભારે ઉછાળાએ આ ઘટની ભરપાઇ કરી આપી હતી.

ચાંદીની વાત કરીએ તો છેલ્લે તા. 29 એપ્રિલના રોજ ચાંદીની કિંમત પ્રતિ કિલો 98,000 હતી. ચાલુ મે માસમાં તો ચાંદીએ 98,000ની સપાટીને પ્રથમ વખત આંબી છે. તા. 1 મેના રોજ ચાંદીએ 94,000 રૂપિયાના ભાવે સફર શરૂ કરી હતી. આ માસમાં 21 દિવસમાં જ ચાંદીએ ચાર હજાર રૂપિયાનો કૂદરો માર્યો છે.