ક્રુડ, ચાંદી, કોપર સહિતની કોમોડિટીમાં પણ ટૂંકા ગાળાની દ્રષ્ટિએ ભારે ઉતાર-ચઢાવ જોવા મળે એવી શક્યતા

વીતેલા સપ્તાહમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 60 દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી તે પછી વિક્રમી ટોચ બનાવ્યા પછી સોના ચાંદીમાં સપ્તાહના અંતે ઘટાડાનો દૌર શરૂ થઇ ગયો હતો. સ્થાનિક બજારમાં શનિવારે આ બન્ને ધાતુમાં એપ્રિલ મહિનાનો સૌથી મોટો કડાકો બોલ્યો હતો. 24 કેરેટ સોનું પ્રતિ ગ્રામ 1,700 અને ચાંદી કિલોએ 4,000 તૂટી હતી. આ સાથે સોનામાં વિક્રમી ટોચથી 2,500નો અને ચાંદીમાં 11,000નો કડાકો બોલ્યો હતો. વૈશ્વિક બજારમાં પણ સોનું પ્રતિ ઔંસ 71 ડોલર તૂટીને 3,037 ડોલરની સપાટીએ જ્યારે ચાંદી 164 સેંટ ઘટીને 29.62 ડોલર થઇ હતી.

હવે રોકાણકારો ટ્રમ્પના ટેરિફ બોમ્બને પગલે વૈશ્વિક અનિશ્ચીતાઓ અંગે કેવા સંકેત મળે છે અને યુએસના ફુગાવાના આંકડા કેવા આવે છે તેની પર નજર રાખીને બેઠા છે. બુધવારે ફેડરલ રિઝર્વ તેની માર્ચમાં મળેલી બેઠકની મિનિટ્સ જાહેર કરવાની છે. જો આ નોંધમાં જો ફેડરલ રિઝર્વ આર્થિક વૃદ્ધિને બદલે ટ્રમ્પના ટેરિફ વોરની ફુગાવા પર શું અસર થશે તે અંતે ચિંતિત છે એવો સંકેત મળશે તો ટુંકા સમયગાળાની દ્રષ્ટિએ સોનામાં મંદીતરફી ચાલ ચાલુ રહેશે. એ પછી ગુરુવારે યુએસના માર્ચના ફુગાવાના આંકડા જાહેર થવાના છે. જો આ આંકડા મુજબ ફુગાવાનો દર વધીને 0.4 ટકા કે તેથી ઉપર રહેશે તો ડોલર મજબૂત બની શકે છે અને તેના કારણે સોનાની માંગ ઘટી શકે છે. આનાથી ઉલ્ટી પરિસ્થિતિમાં યુએસ ડોલર નબળો પડી શકે છે. આ ઉપરાંત ટ્રમ્પનું વહીવટીતંત્ર થોડી પીછેહટ કરીને અન્ય દેશો સાથે ટેરિફ અંગે વાટાઘાટો કરવા તૈયાર થાય તો પણ યુએસ ડોલર રિબાઉન્ડ થાય એવી શક્યતા છે. બીજી તરફ જો અમેરિકા પર વળતા પ્રહારરૂપે અન્ય દેશો પણ ટેરિફ લાદે તો જિઓ-પોલિટિકલ ટેન્શન વધી શકે છે અને પરિણામે સલામત રોકાણના વિકલ્પ મનાતા સોનાની માંગમાં વધારો થઇ શકે છે. ટેકનિકલી સોનાની 20 ડીએમએ 3,028 છે અને જો આ સ્તરે તેને ટેકો મળે તો સોનું થોડું ઘણું રિબાઉન્સ થાય એવી શક્યતા નકારી શકાતી નથી. આમ એકદંરે જોઇએ તો સોનામાં ટુંકા ગાળાની દ્રષ્ટિએ અફરાતફરીનો માહોલ ચાલુ જ રહેશે.

દરમિયાન ટ્રમ્પના ટેરિફ વોરને પગલે યુએસનું અર્થતંત્ર મંદીની પકડમાં આવશે અને સમગ્ર વિશ્વની અર્થતંત્ર પ્રભાવિત થશે એવી ભીતિ ઊભી થતાં ક્રુડ અને કોપરના ભાવમાં વીતેલા સપ્તાહમાં કડાકો બોલ્યો હતો અને ક્રુડ સાપ્તાહિક ધોરણે 10 ટકા જેટલું ઘટયું હતું. ચાંદીમાં તો સૌથી વધારે મંદી જોવા મળી હતી અને આ કિંમતી ધાતુની માંગ હવે ઓછી થશે એવી ભીતિએ તેમાં સાપ્તાહિક ધોરણે 14 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. કોપરે પણ સાપ્તાહિક ધોરણે નવેમ્બર, 2022 પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો છે.