ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ પ્રકાશમાં આવ્યાના ગણતરીના દિવસોમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકાર થાપણ ઈન્સ્યોરન્સ મર્યાદાને વર્તમાન સ્તર રૂ.પાંચ લાખથી વધારવા માટે સક્રિયપણે વિચાર કરી રહી છે.


નાણાંકીય સેવા વિભાગના સચિવે પણ જણાવ્યું હતું કે, હાલ આવી દરખાસ્ત વિચારણા હેઠળ છે. લેન્ડરની હાલત પાતળી થતાં ડિપોઝિટ ઈન્સ્યોરન્સ દાવો ટ્રિગર થાય છે. વર્ષોથી ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી)એ આવા ક્લેઈમની પતાવટ કરી છે. સંસ્થા જે કવર ઓફર કરે છે તેની માટે બેંકો પાસેથી પ્રીમિયમ એકત્રિત કરે છે. અને મોટાભાગના દાવા સહકારી ધિરાણકર્તાઓના કિસ્સામાં કરવા પડે છે. એક અહેવાલ અનુસાર, ન્યૂ ઈન્ડિયાં કો-ઓપરેટિવ બેંકના 1.3 લાખ ડિપોઝિટર્સમાંથી 90 ટકાની સંપૂર્ણ રકમ ડીઆઈસીજીસી હેઠળ કવર થશે.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામનની હાજરીમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, ડિપોઝિટ ઈન્સ્યોરન્સ મર્યાદા વધારવા પર સરકાર દ્વારા સક્રિયપણે વિચારણા હાથ ધરવામાં આવી છે. સરકાર આ અંગે કોઈ નિર્ણય લેશે અથવા મંજૂરી મળશે તો તુરંત આ અંગે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. હાલ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકનો મામલો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સમક્ષ પડતર છે.

નોંધનીય છે કે, પીએમસી બેંક કૌભાંડ બાદ ડીઆઈસીજીસીએ વર્ષ 2020માં વીમા મર્યાદાને રૂ.એક લાખથી વધારીને રૂ.પાંચ લાખ કરી હતી. આર્થિક મામલાના સચિવે જણાવ્યું હતું કે, સહકારી બેંકિંગ ક્ષેત્ર આરબીઆઈની નિગરાની હેઠળ સારી રીતે સંચાલિત છે, તેમજ મધ્યસ્થ બેંક દ્વારા આ ક્ષેત્રના સમગ્ર સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એક બેંકની કટોકટીથી સમગ્ર ક્ષેત્ર સામે શંકા કરવી જોઈએ નહીં. ભૂલ કરનાર સંસ્થાઓ સામે પગલાં ભરવાનું કામ માર્કેટ નિયમનકારનું છે.

ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં પ્રત્યક્ષ નિરીક્ષણને પગલે કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં ખુલાસો થયો હતો કે, રૂ.122 કરોડની રોકડ ગાયબ છે. તપાસમાં બહાર આવ્યું કે, બેંકના ફાયનાન્સ માટેના જનરલ મેનેજરે કથિત રીતે ઉચાપત કરેલી રકમનો નોંધપાત્ર ભાગ સ્થાનિક બિલ્ડરને આપ્યો હતો.


  • Follow us on: