યુએસએ બાકીના દેશોને ટેરિફમાંથી 90 દિવસની મુક્તિ આપી પણ ચીન પર લાદવામાં આવેલા 125 ટકા ડયૂટીનો અમલ શરૂ કર્યો. તેને પગલે હવે ચાઇનીઝ કંપનીઓ સસ્તો ચાઇનીઝ માલ ભારતમાં પધરાવવાની નીતિ અપનાવે એવી પૂરેપુરી શક્યતા હોવાથી ભારત સરકાર ક્યા ક્યા ક્ષેત્રે ચીની કંપનીઓ આવી રીતે માલ પધારાવવા નજર દોડાવી શકે છે એ નક્કી કરીને આવા ક્ષેત્રોમાં વચગાળાની એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદી, મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ નક્કી કરી, અન્ય સેફગાર્ડ પગલાં લઇ અથવા તો અન્ય કોઇ પગલા લઇ આ ક્ષેત્રના સ્થાનિક ઉત્પાદકોના હિતનું રક્ષણ કઇ રીતે કરવું તે અંગે વિચારણા કરી રહી છે. જોકે આવા કોઇ પગલાં લેવામાં સરકાર થોડો ઘણો વિલંબ કરશે તો વેપારમાં અત્યંત ચબરાક ચાઇનીઝ કંપનીઓ તેમનો હાલનો ઉત્પાદિત જથ્થો ભારતીય બજારમાં ડમ્પ કરી દેવામાં જરાય વાર નહીં કરે એવો ભય ઉદ્યોગજગતને સતાવી રહ્યો છે.

અમેરિકાએ અગાઉ લાદેલી 54 ટકા ડયુટીના વળતા પ્રહાર રૂપે ચીને પણ 34 ટકા ડયુટી લાદી હતી. તે પછી અમેરિકાએ આ ડયુટી વધારીને 104 ટકા કરતાં ચીન પણ પાછું પડયું ન હતું અને અંત સુધી આ મુદ્દે લડી લેવાના નિર્ધાર સાથે ચીને ડયુટી વધારીને 84 ટકા કરી હતી. આથી વધુ છંછાડેયાલા યુએસએ ડયુટી વધારીને 125 ટકા કરી હતી અને 9મી એપ્રિલથી જ આને અમલી બનાવી હતી, જ્યારે બાકીના દેશોને રેસિપ્રોકલ ડયુટીમાંથી 90 દિવસો સુધી મુક્તિ આપવામાં આવી હતી. આમ ચીન અને યુએસ વચ્ચે ચરમસીમાએ પહોંચેલા ટ્રેડ વોરને પગલે ચીની ડમ્પિંગ સામે ભારતીય ઉત્પાદકોના હિતનું રક્ષણ કરવું એ હવે ભારત સરકાર માટે અનિવાર્ય બની જાય છે, એથી આ વિચારણા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારને એવી ભીતિ છે કે યુએસએ કરેલા ટેરિફના પ્રહારથી બચવા ચીની કંપનીઓ હવે તેમની પાસે રહેલો ઉત્પાદિત જથ્થો ભારતમાં પાણીના ભાવે પધરાવી દે એવી પણ શક્યતા છે.

વચગાળાની એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદી શકાય છે

સામાન્ય રીતે કોઇ પણ આયાત પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદવી હોય તો આવી સસ્તા ભાવે થતી આયાત અંગે ફરિયાદ મળે તે પછી તેમાં ડીજીએફટી દ્રારા તપાસ કરવામાં આવે છે. આ તપાસ આશરે 18 મહિના જેટલી ચાલે છે અને તે પછી એન્ટિ ડમ્પિંગ ડયૂટી લદાય છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવી તપાસ ચાલુ હોય તે દરમિયાન પણ સરકાર વચગાળાની એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદી શકે છે. આ ઉપરાંત કોઇ ફરિયાદ ન મળે તો પણ ડીજીએફટી સુઓ મોટો તપાસ હાથ ધરી શકે છે. આથી હાલની સ્થિતિમાં સરકાર સુઓ મોટો તપાસ હાથ ધરીને એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદી શકે છે.

ચીન સાથેના કારોબાર પર એક નજર

નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલથી જાન્યુઆરીના સમયગાળામાં ભારતે ચીનમાંથી 95 અબજ ડોલરની આયાત કરી છે

2024માં ભારતમાં એન્ટિ ડમ્પિંગ ડયુટી અંગેના જે કુલ કેસ હતા તેમાંથી 79 ટકા કેસ ચીન સામેના હતા

હાલની પરિસ્થિતિમાં સરકાર સુઓ મોટો એન્ટિ ડમ્પિંગ તપાસ હાથ ધરી તરત જ વચગાળાની એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદે એ અનિવાર્ય

ચીનથી આયાત કરી યુએસમાં નિકાસ કરવાની લાલચથી દૂર રહેવા સરકારની ઉદ્યોગજગતને સલાહ

સરકારે યુએસના ટેરિફ ટેરરથી સ્થાનિક ઉદ્યોગોને બચાવવા બુધવારે બાંયધરી આપી હતી. જોકે સાથે સાથે સરકારે ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને એમ પણ જણાવ્યું હતું કે જે અન્ય દેશો પર ભારતથી વધારે ટેરિફ લાદવામાં આવી છે તે દેશોનો માલ ભારતમાં આયાત કરીને પછી તેને યુએસમાં નિકાસ કરી જંગી કમાણી કરવાની લાલચથી સ્થાનિક આયાત-નિકાસકારો દુર રહે કારણ કે આમ કરવાથી યુએસનો ગુસ્સો વધે અને ભારતને વધુ નુકસાન કરવું પડે એ શક્ય છે. જોકે હવે ભારત સહિત અન્ય દેશોને હાલ પૂરતી આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે ત્યારે ચીનમાંથી ભારતમાં માલસામાન આયાત કરી તેને યુએસમાં નિકાસ કરવામાં આવે એવી શક્યતા પણ વધી જાય છે. જો આમ થાય તો તેના માઠા પરિણામો પણ ભારતને ભવિષ્યમાં ભોગવવા પડે એ શક્ય છે.