અદાણી જુથના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર અમેરિકામાં સિક્યોરિટી ફ્રોડ અને લાંચકાંડ અંગેના જે આરોપો લાગ્યા લાગ્યા છે તે મુદ્દે આ જુથને નોટિસ પાઠવવા માટે સહકાર આપવા અમેરિકી સત્તાવાળાઓ દ્રારા ભારત સરકારને વિનંતી કરવામાં આવી છે.

આ અંગે યુએસના સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન (એસઇસી) અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે) દ્રારા આ કેસ જ્યાં ચાલી રહ્યો છે તે ન્યૂયોર્કની કોર્ટમાં તાજેતરમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં આ બન્ને સંસ્થાઓએ જણાવ્યું છે કે હજી તેઓ આના સંદર્ભમાં ભારત સરકારના જવાબની રાહ જોઇ રહી છે.

અદાણી જુથના ચેરમેન અને તેમના ભત્રીજાને નોટિસ ઓફ લો સ્યુટ (પક્ષકારને તેની સામે કેસ દાખલ થયો છે તેની જાણ કરવા માટેની નોટિસ) અને સમન્સ બજાવવા માટેની સેવાના વેઇવર માટેની વિનંતી (પક્ષકારને સ્વૈચ્છિક રીતે કાયદાકીય દસ્તાવેજો સ્વીકારવા માટે વિનંતી કરતી દરખાસ્ત) પહોંચાડવા માટે એસઇસીએ ફેબ્રુઆરી મહિનામાં ભારતના કાયદા અને ન્યાય વિભાગની મદદ માંગવામાં આવી હતી. બે દેશો વચ્ચે કાયદાકીય સહકાર માટેની જોગવાઇ ધરાવતા હેગ સર્વીસ કન્વેન્શન હેઠળ હેઠળ એસઇસી દ્રારા ભારત સરકાર પાસે આ સહાય માંગવામાં આવી હતી.

જોકે ભારત સરકારના કાયદા અને ન્યાય વિભાગે એસઇસી પાસેથી આ પ્રકારની દરખાસ્ત મળી હોવાનું સ્વીકાર્યું છે અને ન્યાયતંત્રના સંબંધિત સત્તાવાળાઓને આમાં સહાય કરવા માટે સુચના આપવામાં આવી છે. દરમિયાન 25 એપ્રિલે ન્યૂયોર્કની કોર્ટમાં રજુ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટમાં એસઇસીના વકીલ ક્રિસ્ટોફર એમ કોલોરાડોએ કોર્ટને જણાવ્યું હતુ કે આ રિપોર્ટ રજુ કરતા પહેલાં એસઇસીએ ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય પાસે અપડેટ્સ માંગ હતી પરંતુ હજી સુધી તે અંગે કોઇ જવાબ મળ્યો નથી. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ કેસ અદાણી જુથ તરફથી ક્યા વકીલ લડવાના છે તેની જાણ એસઇસીને થઇ છે અને આ વકીલને પણ નોટિસ ઓફ લો સ્યુટ અને રિક્વેસ્ટ ફોર વેઇવર સર્વિસ ઓફ સમન્સ મોકલવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધીમાં બન્ને પક્ષકારમાંથી એક પણ પક્ષકારે વેઇવર ઓફ સર્વિસી સમન્સ અને કમ્પ્લેઇન્ટ માટે સંમતિ આપી નથી. ઉલ્લેખનીય છે કે સમાચાર માધ્યમોમાં પ્રકાશિત અહેવાલ મુજબ અદાણી જુથે લિગલ ફર્મ કિર્કલેન્ડ એન્ડ એલિસ તથા ક્યુઇન એમેન્યુઅલ ઉર્કુહાર્ટ એન્ડ સુલિવાનને આ કેસ લડવા માટે રોકી છે.