કેન્દ્ર સરકારનું ગ્રાહકોની બાબતોનું મંત્રાલય દેશભરમાં કુલ 90 સ્થળોએ ડુંગળીનો સંગ્રહ કરી શકાય એવા કેન્દ્રો સ્થાપવા આયોજન કરી રહ્યું છે.

જેથી જ્યારે પણ કોઇ વિસ્તારમાં ડુંગળીના ભાવ ઊંચા જાય ત્યારે તરત જ આ વિસ્તારમાં નજીકમાં આવેલા કેન્દ્રમાંથી ડુંગળીનો સપ્લાય કરી શકાય. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે આવતા સપ્તાહથી સરકાર ડુંગળની ખરીદી શરૂ કરી રહી છે ત્યારે આ ખરીદીના ભાગરૂપે જ આ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પ્રકારે ડુંગળીનો સંગ્રહ કરવા માટે ખાનગી એજંસીઓનો પણ સહયોગ લેવામાં આવશે અને તેના માટે ટુંક સમયમાં જ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે અને ભારતીય ગૃહણીઓ માટે આ એક મહત્ત્વની કોમોડિટી છે. જોકે ડુંગળીના ભાવમાં સમયાંતરે ભારે વધારો થતો જોવા મળે છે, કારણ કે ડુંગળીનું જે કુલ ઉત્પાદન થાય છે તેમાંથી આશરે 25 ટકા પાક લણણી પછી ટુંક સમયમાં બગડી જતો હોય છે. આથી ભાવવધારાને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્રારા ડુંગળીની ખરીદી કરવામાં આવે છે. હાલમાં સરકાર દ્રારા ડુંગળીની જે ખરીદી કરવામાં આવે છે, તેનો સંગ્રહ રાષ્ટ્રીય કૃષિ સહકારી મંડળીઓના ગોડાઉનમાં થાય છે.

ડુંગળીના ઊંચા ભાવ વારંવાર સરકાર માટે માથાનો દુખાવો બની રહે છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણી આવે ત્યારે આ બાબત સામાન્ય જનતાને સ્પર્શતો એક મહત્ત્વનો મુદ્દો બની જાય છે. પ્રત્યેક વર્ષે ઓગસ્ટ મહિનાથી ડુંગળીના ભાવમાં વધારાની ચાલ શરૂ થાય છે અને ઓક્ટોબર તથા નવેમ્બર મહિના સુધી ભાવ અત્યંત ઊંચા જ રહે છે. આ સમયે તહેવારોની મોસમ હોય છે તેથી લોકોને ભાવવધારાનો માર મોટો પ્રમાણમાં સહન કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખી આ બન્ને મહિના દરમિયાન ડુંગળીના ભાવ નિયંત્રિત રહે તે માટે સરકાર પ્રતિ કિલો રૂ. 35ના ભાવે ડુંગળીનું વેચાણ કરે છે. 2023ના ઓગસ્ટમાં સરકાર દ્રારા સંચાલિત સ્ટોર્સ અને મોબાઇલ વાનમાંથી પ્રતિ કિલો રૂ. 25ના ભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું.