સાચી રીતે ઈન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) ફાઈલ કરનારા ઘણાં કરદાતાઓને આવકવેરા વિભાગે નોટિસો પાઠવી જણાવ્યું હતું કે, તેમના દ્વારા ભૂલ ભરેલું આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યું છે. સાચી રીતે આઈટીઆર ફાઈલ કર્યું હોવા છતાં ઈન્કમ ટેક્સ (આઈટી) ડિપાર્ટમેન્ટની આવી નોટિસોથી કરદાતોઓ મુંઝવણમાં મૂકાયા હતા.
જો કે પાછળથી આઈટી વિભાગને પોતાની ભૂલ સમજાતા આવી નોટિસો પરત ખેંચી હતી અને પસ્તાવો વ્યક્ત કર્યો હતો. જેથી પીડિત કરદાતાઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આવકવેરા વિભાગની આવી કાર્યશૈલી ગંભીર બેદરકારી છે અને ખોટી ટેક્સ નોટિસો ચિંતાની બાબત છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાક્રમથી આવકવેરા વિભાગ હાંસીપાત્ર બન્યું છે. જો કે એવા કેટલાક કરદાતાઓ હોઈ શકે છે, જેમણે આવકવેરા વિભાગની આવી ખોટી નોટિસના બદલે ફરીથી આઈટીઆર ફાઈલ કર્યું હોય. કેમ કે, દરેક કરદાતા પાસે એટલો સમય, સંશાધનો કે ઈચ્છા હોતી નથી કે, તેઓ ખોટી નોટિસો બદલ સરકાર કે આઈટી વિભાગ સામે જંગે ચઢે.










