• મેમાં 27.4%ની તુલનાએ જૂનમાં શાકભાજીનો ફુગાવો વધીને 29.3%

  • મોસમ સંબંધી ક્ષતિને કારણે પિૃમ બંગાળ, યુપીમાં બટાકાનું ઓછું ઉત્પાદન
  • કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું

ચોમાસું સારી રીતે આગળ વધી રહ્યું હોવા છતાં શાકભાજી અને ખાસ કરીને બટાકાના ભાવ નજીકના સમયમાં વધવાનું વલણ જારી રાખી શકે તેવી શકયતા છે.

સમગ્ર દેશમાં આ વખતે પડેલી અસાધારણ ગરમીને પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી માંગ સામે પુરવઠો ખોરવાયો છે, એમ કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું. નીતિ નિર્માતાઓ માટે મોંઘી શાકભાજી ચિંતાનો વિષય બનેલો છે. જૂન માસમાં શાકભાજીનો ફુગાવો 29.3 ટકાના દરે પહોંચી ગયો છે. તે અગાઉ મે મહિનામાં આ દર 27.4 ટકા હતો. આ વધારો વ્યાપક છે. જેથી ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવ તથા અન્ય શાકભાજીની કિંમતોને અસર થઈ છે. આગામી કેટલાક મહિનાઓ સુધી બટાકાના ભાવ મજબૂત રહેવાની શકયતા છે, એમ કૃષિ સમીક્ષકોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નવેમ્બર અને ડિસેમ્બરના સામાન્ય વલણથી વિપરીત આ વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં કંદમૂળની અછત વર્તાવાવની સંભાવના છે. પિૃમ બંગાળ અને ઉત્તરપ્રદેશ જેવા બટાકાના ઉત્પાદક રાજ્યોમાં પાકને મોસમ સંબંધી નુકસાન થયું છે. જેથી ભાવ ઉંચકાયા છે. આ વર્ષે બટાકાની પેદાશ લગભગ 58.99 મિલિયન ટન રહેવાની અપેક્ષા છે. જે ગત વર્ષના લગભગ 60.14 મિલિયન ટનના ઉત્પાદનની તુલનામાં ઓછું છે. કૃષિ મંત્રાલયના પ્રથમ એડવાન્સ અંદાજમાં આ આંકડો સામે આવ્યો હતો.

આગામી મહિનાઓમાં ભાવ વધારાની દહેશતે મોટા ખેડૂતો અને વિક્રેતાઓએ બટાકાના જથ્થાનો સંગ્રહ કર્યો છે. આ વર્ષે કોલ્ડ સ્ટોરેજિસમાં સંગ્રહ પણ તુલનાત્મક રીતે ઓછો છે. બટાકા ઉપરાંત અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને રહેવાની શકયતા છે. અલબત્ત તમામ વસ્તુઓમાં વાર્ષિક ધોરણે ફુગાવાના દરોમાં બદલાવ આધારથી પ્રભાવિત હશે. કૃષિ પેદાશો પૈકી શાકભાજી એવી વસ્તુ છે જેની પર મોસમની પ્રતિકૂળતાની સૌથી વધુ અસર વર્તાય છે. મોસમ સંબંધી સમસ્યાઓને કારણે જ જૂન માસમાં શાકભાજી મોંઘા થયા હતા. એકંદરે હાલ થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિ છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું છે.


  • Follow us on: