યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેને લિબરેશન ડે એટલે કે મુક્તિનો દિવસ ગણાવ્યો હતો તે બીજી એપ્રિલે કરવામાં આવેલી 75 દેશો પરની રેસિપ્રોકલ ડયુટીની જાહેરાતને બરોબર એક સપ્તાહ પછી.
બુધવારે મોડી રાત્રે માત્ર 90 દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાતને એક સાચી મુક્તિ તરીકે ગણીને અમેરિકન શેરબજારોએ એટલી વધાવી લીધી હતી કે યુએસના શેરબજારોમાં ઐતિહાસિક તેજીના મંડાણ થયા હતા. ટ્રમ્પની આ જાહેરાત પહેલા મંદી સાથે ટ્રેડ થઇ રહેલો એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ તે પછી 9.5 ટકા વધ્યો હતો. 1940 પછી અત્યાર સુધીમાં એસ એન્ડ પી 500 ઇન્ડેક્સમાં જોવા મળેલા સૌથી મોટા એક દિવસીય ઉછાળામાં બુધવારનો ઉછાળો ત્રીજી ક્રમે આવે છે. આવી જ રીતે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ડેક્સમાં પણ 2,962 પોઇન્ટ એટલે કે 7.9 ટકાનો વધારો થયો હતો. નાસ્ડેક કોમ્પોસાઇટ તો આનાથી પણ વધારે 12.2 ટકા વધ્યો હતો, જે તેનો છેલ્લા 24 વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો છે. ઉલ્લેખનીય છે કે એસ એન્ડ પી 500 ઇન્ડેક્સમાં આ ઉછાળો નોંધાયો તે પહેલા બુધવારે સેશનના પ્રારંભે આ ઇન્ડેક્સ છેલ્લા બે મહિનાની તેની સૌથી ઊંચી સપાટીથી 19 ટકા જેટલા ઘટાડા સાથે ટ્રેડ થતો હતો અને બેર ફેઝમાં પ્રવેશવાની તૈયારીમાં જ હતો, ત્યારે ટ્રમ્પે કરેલી જાહેરાતથી તેમાં નવા પ્રાણ ફુંકાયા હતા. હવે બુધવારના વધારા પછી આ ઇન્ડેક્સ તેની બે મહિનાની સૌથી ઊંચી સપાટીથી 11 ટકા જ નીચો છે. બુધવારે એસ એન્ડ પી 500ના 98 ટકા ઘટક શેરોમાં તેજી જોવા મળી હતી. ડેલ્ટા એરલાઇન્સના શેરમાં 23.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો બીજા વિશ્વયુદ્ધ પછી યુએસના બેન્ચમાર્ક ઇન્ડેક્સ એસ એન્ડ પી 500 ઇન્ડેક્સમાં સૌથી મોટો એક દિવસીય ઉછાળો 13 ઓક્ટોબર, 2008ના રોજ જોવા મળ્યો હતો. એ દિવસે આ ઇન્ડેક્સ 11.8 ટકા વધ્યો હતો. એ અગાઉ આ ઇન્ડેક્સ 2007ની તેની સૌથી ઊંચી સપાટીથી 57 ટકા જેટલો તૂટયો હતો.
બુધવારે યુએસના બજારોમાં આગઝરતી તેજી
એસ એન્ડ પી 500 ઇન્ડેક્સમાં 9.5 ટકાનો ઉછાળો
નાસ્ડેકમાં 12.2 ટકાનો ઉછાળો, છેલ્લા 24 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ એક દિવસીય ઉછાળો
ડાઉ જોન્સ ઇન્ડેક્સ 2,500 પોઇન્ટ વધ્યો
યુએસના મેગ્નિફિસન્ટ સેવન સ્ટોક્સમાં 23 ટકા સુધીનો ઉછાળો
અમેરિકાના મેગ્નિફિસન્ટ સેવન સ્ટોક્સમાં જેમની ગણતરી થાય છે એવા સાત શેરોમાં બુધવારે 9.68 ટકાથી 22.69 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. આ શેરોમાં એનવિડીયા, એપલ, ટેસ્લા, માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટ, મેટા અને એમેઝોનનો સમાવેશ થાય છે. આ ટેક કંપનીઓમાં આટલી તેજીના કારણે નાસ્ડેકમાં 12 ટકાથી પણ વધુ ઉછાળો જોવા મળ્યો હતો.
એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના શેરબજારોમાં પ્રારંભે જ જંગી ઉછાળો
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે મોડી રાત્રે ટેરિફ પર 90 દિવસની બ્રેક લગાવતા એશિયન બજારોમાં આગઝરતી તેજીના મંડાણ થયા હતા. જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કી 225માં પ્રારંભે જ 2,000 પોઇન્ટનો એટલે કે 8.8 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને આ ઇન્ડેક્સ 34,510ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાના એસ એન્ડ પી એએસએક્સ ઇન્ડેક્સમાં પણ 5.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સાઉથ કોરિયાના કોસ્પી ઇન્ડેક્સમાં પ્રારંભે 5.1 ટકાનો જ્યારે તાઇવાનના ટાઇએક્સ ઇન્ડેક્સમાં 9.2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. તાઇવાનની અગ્રણી ટેક કંપની ટીએસએમસી અને ફોક્સકોનમાં અનુક્રમે 10 ટકા અને 9.8 ટકાનો ઉછાળો નોંધાયો હતો. હોંગકોંગનું શેરબજાર પણ આ પાર્ટીમાં જોડાયું હતું અને હેંગસેંગ ઇન્ડેક્સ 2.69 ટકાના વધારા સાથે ખુલ્યો હતો. થાઇલેન્ડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ એસઇટી પણ 4.5 ટકાના વધારા સાથે ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભારતીય શેરબજારોનું કામકાજ મહાવીર જયંતી નિમિત્તે બંધ હતું. યુરોપનો ઇન્ડેક્સ સ્ટોક્સસ 600 પણ 7 ટકાના ઉછાળા સાથે ખુલ્યો હતો.
ટેરિફ મુક્તિમાંથી ચીન બાકાત છતાં શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો
યુએસએ ભલે ચીનથી થતી આયાત પરની ડયુટી વધારીને 125 ટકા કરી અને બુધવારે અન્ય દેશોને અપાયેલી રાહતમાંથી ભલે ચીનને બાકાત રાખવામાં આવ્યું તેમ છતાં ચીનના શેરબજારમાં સતત ત્રીજા દિવસે આજે વધારો જોવા મળ્યો હતો. ચીન દ્રારા યુઆનને 19 મહિનાની નીચી સપાટીએ લઇ જવામાં આવ્યો તેના કારણે હવે ચીન દ્રારા સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન મળે એવા અન્ય આર્થિક પેકેજો પણ જાહેર કરવામાં આવશે એવી આશાએ આ બજારોમાં ત્રીજા દિવસે તેજી જળવાઇ હતી. આ ઉપરાંત અન્ય દેશો પરની રેસિપ્રોકલ ડયુટીની જાહેરાત કર્યા પછી યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બેજિંગ પણ અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર થશે એવી આગાહી કરવામાં આવી તેને રોકાણકારો ભવિષ્યમાં ચીન અને યુએસ વચ્ચે ટેરિફ મુદ્દે કોઇ વચલો રસ્તો નીકળશે અને સમાધાન થશે એવી આશા બંધાઇ છે, જેના કારણે પણ ચીની શેરબજારમાં તેજીને આજે બળ મળ્યું હતું. આજે હોંગકોંગના બજારમાં લિસ્ટેડ થયેલી ચીની કંપનીઓના શેરમાં 4.6 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ચીનનો સીએસઆઇ 300 ઇન્ડેક્સ મધ્યાંતરે પડતાં બ્રેક પહેલા 1.7 ટકા જેટલો વધ્યો હતો.