ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ખરીદનારા ગ્રાહકોને જ્યારે આ ઉપકરણો રિપેર કરવાનો વારો આવે ત્યારે ધક્કા ખાવા પડતા હોય છે, રિપેર થવામાં ઘણો લાંબો સમય લાગે છે અને કેટલાક સંજોગોમાં ગ્રાહક રિપેરિંગ થશે એવી આશા પણ છોડી દે છે, આવી સંખ્યાબંધ ફરિયાદો મળતાં સરકાર દ્રારા ટુંક સમયમાં રિપેરેબિલીટી ઇન્ડેક્સની પ્રથા શરૂ કરવામાં આવનાર છે જે અંતર્ગત સૌપ્રથમ સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ એ બે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને આવરી લેવામાં આવશે. આ ઇન્ડેક્સ એક લેબલ છે અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો તેમની પ્રોડક્ટ પર આ લેબલ લગાવી સંબંધિત પ્રોડક્ટ અને તેના પાર્ટ્સને કેટલા પ્રમાણમાં રિપેર થઇ શકે એમ છે તે દર્શાવશે.

આ ઇન્ડેક્સ અંતર્ગત છ માપદંડોના આધારે રેટિંગ આપવામાં આવે છે. આ માપદંડોમાં ડિસેસેમ્બલિ ડેપ્થ, રિપેર ઇન્ફોર્મેશન, વાજબી સમયગાળામાં સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતા, સોફ્ટવેર અપડેટ્સ, ટુલ્સ અને ફાસ્ટનર્સનો પ્રકાર તથા ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્રારા રચવામાં આવેલી એક કમિટિએ ગ્રાહકોની બાબતોના મંત્રાલયને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના ઉત્પાદકો પોતાની જાતે જ આ પ્રકારે રિપેરેબિલિટી ઇન્ડેક્સનું લેબલ ઉત્પાદનો પર લગાવે તેવી પ્રથા અમલી બનાવવા ભલામણ કરી હતી. આમ કરવા પાછળનો હેતુ આ લેબલ પરથી મળતી માહિતીના આધારે ગ્રાહકો ખરીદી માટેનો યોગ્ય નિર્ણય લઇ શકે તે સુનિિૃત કરવાનો છે. ઉત્પાદકોએ કમિટિએ કરેલા સુચનો મુજબ આ ઇન્ડેક્સને આધાર બનાવી તેમની પ્રોડક્ટને તેનું વેચાણ કરતાં પહેલાં જ રેટિંગ આપવું પડશે કે જેથી ગ્રાહકોને સંપૂર્ણ માહિતી મળી શકે. ગ્રાહકોની બાબતોનું કેન્દ્રિય મંત્રાલય આ ભલામણો અંગે જરૂરી વિચારણા કરી ટુંક સમયમાં જ આ અંગેના ગાઇડલાઇન્સ જાહેર કરશે. સરકારે આ કમિટિની રચના સપ્ટેમ્બર, 2024માં કરી હતી. કમિટિએ કરેલી ભલામણો વૈશ્વિક સ્તરે આ માટે જે ધારાધોરણને અપનાવવામાં આવ્યા છે તેની સાથે સુસંગત છે. નેશનલ કન્ઝયુમર હેલ્પલાઇન (એનસીએચ)ને અત્યાર સુધીમાં સંખ્યાબંધ એવી ફરિયાદો મળી છે કે ગ્રાહકોને તેમના મોબાઇલ ફોન અને ટેબ્લટેને રિપેર કરાવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 2022-23માં આ પ્રકારની ફરિયાદોની સંખ્યા 19,057 હતી, જે આંકડો 2023-24માં વધીને 21,020 અને 2024-25માં 22,864 થયો છે. આ માટે રચવામાં આવેલી સરકારી કમિટિએ આ પ્રોડક્ટનું જ્યાં વેચાણ થાય છે તે દુકાન અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઇન્ડેક્સ અંતર્ગત આપવામાં આવેલા રેટિંગની માહિતી આપવી પડશે અને પ્રોડક્ટના પેકેજિંગ પર પણ આ માહિતી બારકોડ સ્વરૂપે દર્શાવવી પડશે.