આર્થિક કટોકટીનો સામનો કરતી વોડાફોન આઇડિયાએ સરકારને એવી ચેતવણી આપી છે કે જો તેને સરકાર તરફથી આર્થિક ટેકો નહીં આપવામાં આવે તો તે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 પછીના વર્ષમાં તેનો કારોબાર આગળ ચલાવી શકે એવી સ્થિતિમાં નથી અને આવા સંજોગોમાં તેને નાદારી માટે અરજી ફાઇલ કરવી પડશે. આમ થવાથી સરકાર આ કંપનીમાં જે 49 ટકા હિસ્સો ધરાવે છે તેનું મૂલ્ય ઝીરો થઇ જશે, એમ પણ કંપનીએ જણાવ્યું છે એવી માહિતી સૂત્રોએ આપી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકારે વોડાફોન આઇડિયા પાસેથી લેવાના નીકળતાં વ્યાજના પૈસા સામે પોતાનો ઈક્વિટી હિસ્સો વધાર્યો તે પછી પણ કંપનીને હજી સરકારને એજીઆર અને સ્પેક્ટ્રના બાકી લેણા પેટે કુલ રૂ. 1.95 લાખ કરોડ ચુકવવાના થાય છે. લેણાની રકમ પેટે સરકારનો ઇક્વિટી હિસ્સો વધીને 49 ટકા થતાં કંપનીમાં હવે બે પ્રમોટર્સ આદિત્ય બિરલા જુથ અને વોડાફોન ગ્રુપનો હિસ્સો ઘટીને અનુક્રમે 9.5 ટકા અને 16.07 ટકા થઇ ગયો છે.
વોડાફોન આઇડિયા ભારતના ટેલિકોમ ક્ષેત્રની ત્રણ અગ્રણી કંપની પૈકીની એક છે અને તેનો બજાર હિસ્સો 18 ટકા જેટલો છે. હાલમાં કંપની એવો દાવો કરી રહી છે કે કંપની દ્રારા નવું રોકાણ કરવામાં આવ્યું અને સરકારની વ્યાજની બાકી રકમ પેટે ઇક્વિટી શેર જારી કરવામાં આવ્યા તેમ છતાં લેન્ડર્સ કંપનીને વધુ ધિરાણ કરવા તૈયાર નથી. જો કંપનીએ આપેલી ચેતવણી મુજબ તે નાદારી નોંધાવવા માટે અરજી કરશે તો તેના કારણે કંપનીના 20 કરોડ જેટલા ગ્રાહકો અને 20,000 સક્રિય કર્મચારીઓ પર તેની વિપરીત અસર થશે. દરમિયાન કંપનીએ સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરી સરકાર દ્રારા કંપની પાસે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પેટે જે રૂ. 30,000 કરોડની રકમ લેણી નીકળે છે તેને જતી કરવા માંગ કરી હતી. ગુરુવારે સુપ્રિમે આ અરજીને દાખલ કરી છે અને તેની સુનાવણી માટે તૈયાર થઇ છે. આ જે રૂ. 30,000 કરોડની રકમ કંપનીએ સરકારને ચુકવવાની થાય છે તેમાં વ્યાજ, દંડ અને એજીઆરની બાકી રકમમાં દંડની રકમ પર લાગનાર વ્યાજનો સમાવેશ થાય છે. આ અંગેની સુનાવણી 19 મેના રોજ હાથ ધરાશે.
