પહેલાગામમાં થયેલા આંતકી હુમલા પછી ભારતે સિંધુ જળકરારનો ભંગ કરવાની જાહેરાત કરી તે પછી પાકિસ્તાને તેને યુદ્ધ જેવું કૃત્ય ગણાવી જરૂર પડે ભારત પર હુમલો કરવાની અને અણુબોંબનો ઉપયોગ કરવાની ધમકી ઉચ્ચારી હતી.
પાકના એક નેતાએ તો જો સિંધુમાં પાણી બંધ થશે તે લોહી વહેશે એવી બડાશ મારી હતી. જોકે મંગળવાર અને બુધવાર વચ્ચેની મધ્ય રાત્રિએ ભારતે પાકિસ્તાનના ત્રાસવાદીઓના મથકો પર એર સ્ટ્રાઇક કરી તે પછી એવી શેખી મારતા ફુંકતા પાકિસ્તાને કોઇ કાર્યવાહી કર્યા વગર ભારત હવે વધુ કંઇ નહીં કરે તો પોતે પણ કંઇ નહીં કરે એવી શાણપણભરી વાત કરી હતી. મોટા બણગાં ફુંકતું પાકિસ્તાન કેમ એર સ્ટ્રાઇક પછી ચુપ થઇ ગયું તેનું રહસ્ય જાણવું હોય તો પાકિસ્તાનની હાલની આર્થિક સ્થિતિથી પરિચિત થવું જરૂરી બની જાય છે.
અગાઉ 2023માં પાકિસ્તાન એટલી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું હતું કે તે નાદારી નોંધવવાના આરે જ હતું. મે, 2023માં ભારતના પાડોશી એવા આ દેશમાં ફુગાવો 40 ટકા જેટલો ઊંચો ગયો હતો. કુલ 350 અબજ ડોલરનું અર્થતંત્રનું કદ ધરાવતા પાકિસ્તાનને એ સમયે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ) દ્રારા 3 અબજ ડોલરનું બેઇલઆઉટ પેકેજ આપવામાં આવ્યું હતું, જેના કારણે પાકિસ્તાન માંડ માંડ નાદારી નોંધાવવામાંથી બચ્યું હતું. 2023માં આઇએમએફ ઉપરાંત પાકિસ્તાને સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) પાસેથી પણ ઋણ લીધું હતું, જે હજી ભરપાઇ થયું નથી.
જોકે વાત અહીં અટકતી નથી. 2023 પછી આઇએમએફએ પાકિસ્તાન માટે બીજુ 7 અબજ ડોલરનું બેઇલઆઉટ પેકેજ એટલે કે લોન મંજૂર કરી હતી. આમાંથી 1 અબજ ડોલરની રકમ પાકિસ્તાનને તરત જ મળવાની હતી અને બાકીની 6 અબજ ડોલરની રકમ આગામી ત્રણ વર્ષમાં એટલે કે 2025થી 2027ના સમયગાળામાં આપવામાં આવનાર હતી. પાકિસ્તાન ભારત પર વળતો પ્રહાર કેમ કરી શકે એમ નથી એનું રહસ્ય આઇએમએફની 9મી મેના રોજ મળનારી એક બેઠકમાં છુપાયેલું છે. આ બેઠકમાં 2024માં મંજૂર થયેલા 7 અબજ ડોલરની લોનના પેકેજમાંથી જે બાકીની 6 અબજ ડોલરની લોનની સમીક્ષા તો થવાની જ છે પરંતુ તે ઉપરાંત આઇએમએફ દ્રારા પાકિસ્તાનને ક્લાઇમેટ રેસિલિયન્સ પ્રોગ્રામ અંતર્ગત બીજી 1.3 અબજ ડોલરની લોન આપવાનો પ્રસ્તાવ છે. જોકે અગાઉ આપેલી લોન અને હવે પછી આપવામાં આવનારી લોન બન્ને માટે આઇએમએફએ અર્થતંત્રની સ્થિતિ સુધારવા અંગેની કેટલીક શરતો પણ મુકી છે, જે અત્રે અલગથી આપેલ છે. હવે જો ભારત પર એરસ્ટ્રાઇકના જવાબરૂપે પાકિસ્તાન વળતો પ્રહાર કરે તો તેને આઇએમએફની નવી લોન મળવાની વાત તો બાજુ પર રહે પણ અગાઉ મંજૂરી થયેલી 6 અબજ ડોલરની લોન પણ ઘોંચમાં પડે એવી શક્યતા છે. કારણ એ છે કે યુદ્દમાં થનારા ખર્ચના કારણે
આઇએમએફએ મુકેલી શરતો કોઇ કાળે પૂર્ણ થાય એમ નથી.
અગાઉ જ્યારે સપ્ટેમ્બર, 2024માં પાકિસ્તાન માટે
આઇએમએફએ 7 અબજ ડોલરની લોન મંજૂર કરી ત્યારે થયેલા વોટિંગ વખતે ભારત માનવતા દાખવીને ગેરહાજર રહ્યું હતું. જોકે હવે જો પાકિસ્તાન વળતો પ્રહાર કરે તો સ્વભાવિક રીતે જ ભારત આ પ્રસ્તાવની વિરુદ્ધમાં વોટિંગ કરે. આ બાબત પાકિસ્તાનને કોઇ પણ રીતે પોષાય એમ નથી. ભારત આ પ્રસ્તાવની વિરુદ્ધમાં વોટિંગ કરતી વખતે ત્રાસવાદી એટેકમાં સહયોગ આપવા માટે ભંડોળનો દુરુપયોગ થાય છે એવું બહાનું આગળ ધરી શકે છે.
આમ એકદંરે જોઇએ તો પોતાની પાસે ન્યુક્લિઅર પાવર છે એટલે ભારત હુમલો કરશે તો પોતે અણુબોંબનો ઉપયોગ કરી શકે એવી ધમકી આપતા પાકિસ્તાનની સ્થિતિ ઝૂંપડામાં રહેનાર પાસે મર્સિડીઝ હોય એવી છે. આવો વ્યક્તિ મર્સિડીઝ ચલાવવા માટે પેટ્રોલના પૈસા પણ ખર્ચી શકે નહીં કંઇક એવી જ રીતે પાકિસ્તાન જો ભારત પર હુમલો કરવાનું દુઃસાહસ કરે તો તેની મળનારી અબજો ડોલરની લોન બંધ થઇ શકે છે. આથી વળતો પ્રહાર કરવાની વાત તો દુર રહી પાકિસ્તાન તેનો વિચાર પણ કરી શકે એવી સ્થિતિમાં નથી.
પાક.ના અર્થતંત્રની દયનીય સ્થિતિ
મે, 2023માં પાકિસ્તાનમાં ફુગાવાનો દર 40 ટકા હતો જે આઇએમએફએ બે લોનના પેકેજ મંજૂર કર્યા તે પછી માંડ માંડ ઘટીને હાલમાં 10 ટકા જેટલો થયો છે, આની તુલનાએ ભારતમાં ફુગાવાનો દર હાલમાં ત્રણ ટકાથી નીચે છે
જુન ,2024માં પાકિસ્તાનની મધ્યસ્થ બેંકે ફુગાવાને કાબુમાં રાખવા બેન્ચમાર્ક વ્યાજદર 22 ટકાના સ્તરે લઇ ગઇ હતી, જે હાલમાં ઘટા.ડીને 11 ટકા કરવામાં આવ્યો છે, જેની તુલનાએ ભારતમાં આ દર હાલમાં 6 ટકા છે.
પાછલા વર્ષે પાકિસ્તાનના અર્થતંત્રનો વૃદ્ધિદર 2.5 ટકા હતો, જે ચાલુ નાણાકીય વર્ષમાં વધીને 3 ટકાની થવાની આગાહી વર્લ્ડ બેંકે કરી છે, જેની તુલનાએ ભારતમાં પાછલા વર્ષે 6.5 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે
પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ તાજેતરમાં જ માંડ માંડ વધીને 15 અબજ ડોલરને પાર પહોંચ્યું છે, જેની તુલનાએ ભારતનું ફોરેક્સ રિઝર્વ હાલમાં 688 અબજ ડોલર છે