ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે (એફપીઆઇ) એપ્રિલ મહિના દરમિયાન ફાયનાન્સિયલ સર્વિસીસ, ટેલિકોમ, એફએમસીજીમાં સૌથી વધારે ખરીદી કરી હતી.


જ્યારે આઇટી, મેટલ તથા માઇનિંગ અને ઓટો તથા ઓટો પાર્ટ્સ ક્ષેત્રે સૌથી વધુ વેચાણ કર્યું હતું, એવી માહિતી ઉપલબ્ધ ડેટા પરથી મળે છે. એપ્રિલ મહિનાના પ્રથમ પખવાડિયામાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. 33,927 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે બીજા પખવાડિયામાં રૂ.38.150 કરોડની નેટ ખરીદી કરી હતી. આના પરિણામે એપ્રિલના સમગ્ર મહિના દરમિયાન એફપીઆઇ રૂ. 4,223 કરોડની નેટ બાયર્સ રહી હતી.

જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે એફપીઆઇએ એપ્રિલના બીજા પખવાડિયામાં રૂ. 38,150 કરોડની નેટ ખરીદી કરી હતી, તેમાંથી આશરે રૂ. 23,000 કરોડની નેટ ખરીદી એક માત્ર ફાયનાન્સિયલ ક્ષેત્રના શેરોમાં કરી હતી. આનો એ અર્થ એ થાય છે કે કુલ નેટ ખરીદીમાંથી આશરે 60 ટકા ખરીદી ફાયનાન્સિયલ સર્વિસીસી ક્ષેત્રે કરવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક બે ડોલરની ખરીદીમાંથી એક ડોલરની ખરીદી ફાયનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રના શેરોમાં રોકાણ કરવા માટે કરવામાં આવી હતી. આનાથી વિપરીત એપ્રિલના પ્રથમ પખવાડિયામાં એફપીઆઇએ ફાયનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રે રૂ. 4,501 કરોડની નેટ વેચવાલી કરી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બેંકો અને ફાયનાન્સિયસ સર્વિસીસ ક્ષેત્રે કાર્યરત કંપનીઓના નફાના ગાળામાં સુધારો થતાં અને એસેટની ક્વોલિટી સુધરતા એફપીઆઇએ આ શેરોમાં જંગી ખરીદી કરી હતી. આનીથી વિપરીત યુએસની રેસિપ્રોકલ ટેરિફના કારણે જેની પર અસર થવાની છે અથવા તો ટેરિફના કારણે યુએસ અને વિશ્વનું અર્થતંત્ર મંદ પડે તો જેની પર અસર થવાની છે એવા ક્ષેત્રો આઇટી, મેટલ અને ઓટોમાં એફપીઆઇએ એપ્રિલમાં નોંધપાત્ર વેચવાલી કરી છે. બીજી તરફ ટેલિકોમ, કેપિટલ ગુડ્સ અને ઓઇલ તથા ગેસ ક્ષેત્રે પણ એફપીઆઇએ નેટ ખરીદી કરી હતી.


  • Follow us on: