યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદી છે ત્યારે કેન્દ્ર સરકાર હવે બન્ને દેશો વચ્ચેના વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં કાર્યરત છે એવી માહિતી પ્રાપ્ત થઇ છે.

ગલવાનમાં સરહદ પર 2020માં ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ થયો હતો તે પછી ભારતમાં ચીનના રોકાણ અને વેપાર પર જે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા તેમાંથી કેટલાંક નિયંત્રણો હટાવવા અથવા તો હળવા કરવા વિચારણા કરવામાં આવી રહી છે અને આ માટે બન્ને દેશોના સંબંધિત વિભાગો વચ્ચે ચર્ચા વિચારણા થઇ રહી છે. ભારતના ઔદ્યોગિક સંગઠનો દ્રારા પણ આ પ્રકારના પગલાં લેવા માંગ કરવામાં આવી છે. જે નિયંત્રણો હળવા કરવા વિચારણા થઇ રહી છે તેમાં ચીની નાગરિકોને વીઝા આપવા પરના પ્રતિબંધને હળવો કરવા, ચીનમાંથી થતી આયાત પરના કેટલાક ટેરિફ અને નોન-ટેરિફ, કેટલાક ચાઇનીઝ એપને ભારતમાં કામકાજની છૂટ આપવા, બન્ને દેશો વચ્ચેની ફ્લાઇટ ફરી શરૂ કરવા વગેરે સમાવિષ્ટ છે. રોકાણના મોરચે પણ ચીનને ભારતમાં રોકાણ માટે છુટ આપવાની દરખાસ્ત પર વિચારણા થઇ રહી છે કારણ કે ભારતની ચીન સાથેની વેપારી ખાધ વધતી જાય છે જેના ઉપાયરૂપે આ વિકલ્પ ચકાસવામાં આવી રહ્યો છે. હાલમાં નિયંત્રણો લદાયા છે તેમ છેતાં દ્રિપક્ષીય વેપારમાં ચીનનું પલ્લું ભારી જ રહ્યું છે. હાલમાં ભારતની સરહદ પર આવેલા દેશની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે કેન્દ્રની પરવાનગી લેવાની જે જરૂરિયાત છે તેમાં રાહત આપવા વિચારણા થઇ રહી છે. આ ઉપરાંત ચીનમાંથી આયાત થતી ઇલેક્ટ્રોનિક અને આઇટી પ્રોડક્ટ પર બીઆઇએસ માર્કાની જરૂરિયાતના નિયમને હળવો કરવા પણ વિચારણા થઇ રહી છે.