ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે 2022માં યુદ્ધ થયું તે પછી અમેરિકાએ મુકેલા પ્રતિબંધોને પગલે રશિયાની મધ્યસ્થ બેંકની ડોલર સ્વરૂપે રાખેલી એસેટ્સ સ્થગિત થઇ ગઇ તે પછી વિશ્વના દેશોને ગોલ્ડ રિઝર્વ વધારવાની કિંમત સમજાઇ છે. આવા સંજોગોમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જારી કરેલા આંકડા મુજબ વિશ્વના સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોમાં યુએસ પ્રથમ ક્રમે આવે છે જ્યારે ભારતનો ક્રમ સાતમો છે. જોકે સૌથી નોંધનીય બાબત એ છે કે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વના મામલે ટોચના દસ દેશો પૈકી ભારત એક માત્ર એવો દેશે છે કે જે લોઅર મિડલ ઇન્કમ ગ્રુપમાં આવે છે. આ સિવાય ચીન એ અપર મિડલ ઇન્કમ ગ્રૂપમાં આવે છે જ્યારે બાકીના બધા દેશો હાઇ ઇન્કમ ગ્રૂપમાં વર્ગીકૃત થયેલા છે.

ગોલ્ડ રિઝર્વમાં પ્રથમ ક્રમે આવતા યુએસના ગોલ્ડ રિઝર્વનું કદ 8,133 ટન છે જેનું મૂલ્ય 6,82,276 મિલિયન ડોલર થાય છે. યુએસના ગોલ્ડ રિઝર્વનું આ કદ બીજી, ત્રીજા અને ચોથા ક્રમે આવતા દેશો જર્મની, ઇટાલી અને ફ્રાન્સના કુલ ગોલ્ડ રિઝર્વ જેટલું થાય છે. આ આંકડા મુજબ પોલેન્ડે વર્ષ 2024માં 89.54 ટન ગોલ્ડની એટલે કે વિશ્વના તમામ દેશોમાં સૌથી વધુ ખરીદી આ યાદીમાં દસમું સ્થાન મેળવ્યું હતું. આ જ વર્ષમાં આરબીઆઇએ 72.60 ટન ગોલ્ડની ખરીદી કરી હતી, જે વિશ્વની કોઇ મધ્યસ્થ બેંકે કરેલી સોનાની ખરીદીમાં બીજા ક્રમે આવે છે. આ સાથે ભારતના ગોલ્ડ રિઝર્વનો આંક 876 ટન થયો હતો. આ ઉપરાંત ચીને પણ 2024 દરમિયાન 44.17 ટન સોનાની ખરીદી કરીને આ યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. યુએસ ટ્રેડ વોરને પગલે ઊભી થયેલી અનિિૃતતાઓના કારણે રોકાણકારોમાં સલામત વિકલ્પ ગણાતા સોનામાં રોકાણ કરવા ધસારો થતાં હાલમાં સોનાના ભાવ રોજેરોજ નવી સપાટી બનાવી રહ્યા છે. વીતેલા સપ્તાહમાં જ વૈશ્વિક બજારમાં સોનાના પ્રતિ ઔંસ ભાવે 3,400 ડોલરની જ્યારે સ્થાનિક બજારમાં 10 ગ્રામના ભાવે રૂ. 1 લાખની નવી સપાટી બનાવી હતી. જોકે તે પછી સોનામાં ઘટાડાની ચાલ જોવા મળી છે, પરંતુ સોનાના ભાવમાં આવી ઐતિહાસિક તેજી માટે વિશ્વની મધ્યસ્થ બેંકો દ્રારા સોનાની વધુ ખરીદી કરવામાં આવી રહી છે એ બાબત પણ જવાબદાર છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં વિશ્વની વિવિધ મધ્યસ્થ બેંકોએ પ્રતિ વર્ષ 1,000 ટનથી વધુ સોનાની ખરીદી કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાએ 25 ટકાથી વધુ વળતર આપ્યું છે, જ્યારે છેલ્લા એક વર્ષ અને છેલ્લા ત્રણ વર્ષમાં સોનાએ આપેલા વળતરની ટકાવારી અનુક્રમે 50 ટકા અને 100 ટકાથી વધુ છે.