11 એપ્રિલ, 2025ના રોજ ભારતીય શેરબજારોનો પીઇ રેશિયો 21 નોંધાયો હતો, જે તેની 20 વર્ષની 17.5ની સરેરાશ અને મંદી દરમિયાન આ રેશિયોમાં જોવા મળેલા તળિયાની 9.7ની સરેરાશથી ઘણો ઊંચો છે.
આ બાબત એવો સંકેત આપે છે કે ભારતીય શેરબજારનો પીઇ રેશિયો અન્ય ઊભરતા દેશોની તુલનાએ ઘણો ઊંચો હોવાથી ભારતીય શેરબજારના શેરોનું મૂલ્ય ઘણું ઊંચુ છે. આનાથી વિપરીત સાઉથ કોરિયા, તાઇવાન અને જાપાનના શેરબજારના પીઇ રેશિયો મંદી દરમિયાન તેમાં જોવા મળેલા તળિયાની સરેરાશથી બહુ નજીક છે.
માત્ર ભારત અને ઓસ્ટ્રેલિયાના શેરબજારને બાદ કરતાં બાકીના તમામ ઊભરતા દેશોના શેરબજારોનો પીઇ રેશિયો આ રેશિયોની 20 વર્ષની સરેરાશથી નીચે છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના વિવિધ દેશો પર બીજી એપ્રિલે રેસિપ્રોકલ ટેરિફ લાદી તેને પગલે શેરબજારોમાં જોવા મળેલા કડાકાના કારણે એપ્રિલ મહિનામાં બનાવેલા તળિયાથી હાલમાં ભારતીય શેરબજારમાં 10 ટકા જેટલી રિકવરી થઇ છે. આની તુલનો અન્ય ઊભરતા દેશોમાં એક માત્ર ઓસ્ટ્રેલિયાના શેરબજારમાં આવો ઘટાડો સરભર થયો છે. તે સિવાયના શેરબજારોમાં હજી સુધી ઘટાડો સરભર થયો નથી. એમએસસીઆઇનો ઇમર્િંજગ માર્કેટ ઇન્ડેક્સ પણ હજી આ ઘટાડાથી 7 ટકા નીચો છે.
આવા સંજોગોમાં નિષ્ણાતો એવો મત વ્યક્ત કરે છે કે અન્ય દેશોની તુલનાએ ભારતીય શેરોના મૂલ્ય ઊચા છે એ એક વાસ્તવિકતા છે. વધુમાં નાણાકીય વર્ષ 2025-26માં વિવિધ કંપનીઓની કમાણીનો વૃદ્ધિદર ઓછો રહેવાની આગાહી હોવાથી આ કંપનીઓના શેરોમાં ઘટાડાની ચાલ જોવા મળી શકે છે. આમ છતાં ભારતના અર્થતંત્રને લગતા વિવિધ પાસા ઘણાં મજબૂત છે જેના કારણે શેરબજારમાં તીવ્ર કડાકાની શક્યતા ઓછી છે. ખાસ કરીને ફુગાવાનો દર નિયંત્રણ હેઠળ છે, વેપારી ખાધ પણ સીમિત છે, આર્થિક વૃદ્ધિદર પણ છ ટકાથી ઉપર રહેવાનો છે, ફોરેક્સ રિઝર્વ મજબૂત સ્તરે છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ દ્રારા મ્યુચ્યુઅલ ફંડોના માધ્યમથી થતા રોકાણ અને સીધા રોકાણમાં પણ વધારો થઇ રહ્યો છે. આ બધા પરિબળોના કારણે શેરબજારમાં એકદમ મોટું કરેક્શન આવે એવી શક્યતા ખૂબ જ ઓછી છે.