યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટો કરન્સી માટે નવા મસીહા તરીકે ઊભરી આવ્યા હોવાથી વિશ્વભરમાં ડિજિટલ કરન્સીના એક વધુ વિકલ્પ તરીકે આ કરન્સી ઘણા બધાં દેશોમાં અપનાવવામાં આવી રહી હોવાથી ભારત હવે ક્રિપ્ટો કરન્સીના નિયમન માટેના એક નીતિવિષયક માળખાને તૈયાર કરવાની કવાયત કરી રહ્યું છે અને સંભવતઃ આ અંગેનું એક કન્સલ્ટેશન પેપર આગામી સપ્તાહે પ્રસિદ્ધ કરવામાં આવે એવી શક્યતા છે, એમ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
આ કન્સલ્ટેશન પેપરમાં ઇન્ટરનેશનલ મોનેટરિ ફંડ (આઇએમએફ) અને ફાયનાન્સિયલ સ્ટેબિલિટી બોર્ડ (એફએસબી) દ્રારા જે સિન્થેસિસ પેપર તૈયાર કરવામાં આવ્યા છે તેના આધારે ક્રિપ્ટો કરન્સીને લગતા સુચિત નિયમોની દરખાસ્ત કરવામાં આવશે. આ ઉપરાંત વિશ્વના જુદા જુદા દેશોમાં આ કરન્સીના નિયમન માટે જે જોગવાઇઓ કરવામાં આવી છે તે અંગે વિવિધ હિતધારકોનો અભિપ્રાય માંગવામાં આવશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં આ નિયમનકારી માળખાના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને જુનના પ્રથમ સપ્તાહમાં તેને જાહેર કરાય એવી શક્યતા છે. હાલમાં ભારત ક્રિપ્ટો કરન્સીને અપનાવવા સામે જક્કી વલણ દાખવી રહ્યું છે. 2022-23 માટેના કેન્દ્રિય બજેટમાં ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગમાંથી થતી કમાણી પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો અને સાથે સાથે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે આ ટેક્સ લાદવામાં આવ્યો તેનો અર્થ એ નથી થતો કે ક્રિપ્ટો કરન્સીને સત્તાવાર ચલણ તરીકે માન્યતા આપવામાં આવી છે. પાછળથી કેન્દ્ર સરકારે ભારતમાં કાર્યરત ક્રિપ્ટો એક્સચેન્જ માટે દેશના ફાયનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ) સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત બનાવી હતી. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ મનિ લોન્ડરિંગ અને ટેરર ફાયનાન્સિંગ માટે થઇ શકે છે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે. આ ઉપરાંત આરબીઆઇએ એક વધુ સલામત વિકલ્પ તરીકે પોતાની આગવી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પણ વિકસાવી છે જોકે તે પછી કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્રિપ્ટો કરન્સી ક્ષેત્રને લગતાં વિવિધ મુદ્દાઓ અંગે તમામ હિતધારકો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી અને હવે સરકાર આ અંગે પોતાનું વલણ શું છે તે વધુ સ્પષ્ટ કરવાની સાથે આ માટેનું નીતિવિષયક માળખું તૈયાર કરવા પણ તજવીજ કરી રહી છે. કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીએ આ અંગે મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દેશના હિતને ધ્યાનમાં રાખીને આ ક્રિપ્ટો કરન્સી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ઉદ્યોગજગત અને ખાસ કરીને આર્થિક કારોબાર પર આની વ્યાપક અસર થઇ શકે એમ હોવાથી એકદમ આકરી પ્રતિક્રિયા કે અસર દેખાય એવા કોઇ નિર્ણય લેવાનું ટાળવામાં આવશે એમ પણ આ અધિકારીએ ઉમેર્યું હતું.
