ભારતની વિવિધ કંપનીઓ પાસે ઉપલબ્ધ રોકડ રકમ અને બેંક બેલેન્સનો આંકડો નાણાકી વર્ષ 2024-25માં પ્રથમ વાર રૂ. 10 લાખ કરોડને પાર ગયો છે.

જેના માટે નિષ્ણાતો વર્ષ દરમિયાન જે આર્થિક અને જિયોપોલિટીકલ અનિશ્ચીતાઓ ઊભી થઇ હતી તેને ધ્યાનમાં લઇને આ કંપનીઓએ ટ્રેઝરી મેનેજમેન્ટ માટે ખાસ પ્રકારની વ્યુહાત્મક નીતિ અપનાવી તેને જવાબદાર ગણાવે છે. એક રિસર્ચ સંસ્થા પાસે ઉપલબ્ધ આંકડા મુજબ દેશની 3,611 લિસ્ટેડ કંપનીઓના હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણ મુજબ આ કંપનીઓ પાસે 2024-25ના અંતે કુલ રૂ. 10.67 લાખ કરોડની રકમ રોકડ અથવા તો બેંક બેલેન્સ સ્વરૂપે ઉપલબ્ધ હતી, જે પાછલા વર્ષના અંતે નોંધાયેલા આંકડા કરતાં 15 ટકાનો વધારો દર્શાવે છે. જે 3,611 લિસ્ટેડ કંપનીઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો તેમાં બીએફએસઆઇ અને ઓઇલ તથા ગેસ ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થતો નથી.

નાણાકીય વર્ષ 2023-24ના અંતે કુલ 4,289 લિસ્ટેડ કંપનીઓ પાસે રૂ. 9.26 લાખ કરોડની રકમ રોકડ કે બેંક બેલેન્સ સ્વરૂપે ઉપલબ્ધ હતી. આની તુલનાએ નાણાકીય વર્ષ 2019-20ના અંતે આ આંકડો રૂ. 5.20 લાખ કરોડ હતો. આમ 2019-20ની તુલનાએ 2023-24માં આ આંકડામાં 50 ટકાનો વધારો નોંધાયો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ કંપનીઓ પાસે ઉપલબ્ધ બેંક બેલેન્સ અને રોકડ રકમમાં જે નોંધપાત્ર વધારો નોંધાયો છે તેના માટે ઓટો, આઇટી, ફાર્મા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની કંપનીઓની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો એ બાબત પણ જવાબદાર છે. આ સિવાય હવે વૈશ્વિક અનિશ્ચીતાઓ વચ્ચે વિવિધ કંપનીઓ નાણાકીય દુરંદેશિતા દાખવીને મોટી રકમ હાથ પર રાખવાનું વલણ અપનાવી રહી છે તે બાબત પણ આના માટે જવાબદાર છે. કોમોડિટીના ભાવમાં ભારે અફરાતફરી જોવા મળી રહી છે, કરન્સિ માર્કેટમાં પણ આવા જ હાલ છે અને વૈશ્વિક સ્તરે મંદી છવાય એવો ભય હોવાથી હાલમાં કંપનીઓ કોઇ મોટો મૂડીખર્ચ કરવાનું જોખમ લેવા માંગતી નથી તેથી નાણા હાથ પર જ રાખે છે.

ક્ષેત્રના આધારે જોઇએ તો આઇટી ક્ષેત્રની કંપનીઓ પાસે 2024-25ના અંતે સૌથી વધુ રોકડ કે બેંક બેલેન્સ હતું, જેનો આંકડો રૂ. 1.17 લાખ કરોડ થાય છે. જે પછી રૂ. 1.15 લાખ કરોડના આંકડા સાથે ઓટો ક્ષેત્ર આવે છે. મેટલ, માઇનિંગ અને સ્ટીલ કંપનીઓ સંયુક્ત રીતે રૂ. 1.1 લાખ કરોડનું બેલેન્સ ધરાવતી હતી, જ્યારે એન્જિનિયરિંગ કંપનીઓના બેલેન્સનો આંકડો રૂ. 73,000 કરોડ હતો. ફાર્મા કંપનીઓના કિસ્સામાં આ આંકડો રૂ. 65,000 કરોડ અને ડિફેન્સ સેક્ટરના કિસ્સામાં આ આંકડો રૂ. 54,400 કરોડ હતો.