નાણાકીય વર્ષ 2024-25માં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો લગભગ 4 ટકા જેટલો ઘટયો છે. આવા સંજોગોમાં જો રૂપિયાનું મૂલ્ય આગામી નાણાકીય વર્ષ 2025-26માં 2.5 ટકા ઘટશે એવી ધારણા અને આગામી નાણાકીય વર્ષ માટેના બજેટમાં મુકવામાં આવેલા અંદાજ મુજબ જીડીપીનો વૃદ્ધિદર રહેશે એ આધારે ગણતરી કરવામાં આવે તો ભારતની જીડીપીનું મૂલ્ય 2025-26માં 4.2 ટ્રિલિયન ડોલર થઇ શકે છે.


જો આવું થાય તો ભારતીય અર્થતંત્રનું કદ જાપાનની જીડીપીની લગોલગ પહોંચી જાય એવી શક્યતા છે, કારણ કે વર્ષ 2024માં જાપાનની જીડીપીનો આંકડો 4 ટ્રિલિયન ડોલર નોંધાયો હતો. હાલમાં જાપાનનું અર્થતંત્ર વિકાસ સાધવા માટે સંઘર્ષ કરી રહ્યું છે તે જોતાં આગામી વર્ષમાં ભારતની જીડીપીનું મૂલ્ય જાપાનની જીડીપીના મૂલ્ય કરતાં વધી જાય તો નવાઇ નહીં. હાલમાં જાપાનનું અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં અર્થતંત્રના કદના આધારે ચોથા ક્રમે આવે છે અને જો આ ધારણા સાચી પડે તો ભારતીય અર્થતંત્ર જાપાનને પાછળ રાખી સમગ્ર વિશ્વમાં ચોથા ક્રમના અર્થતંત્રનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે.

2024-25માં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિદર સત્તાવાર અંદાજ પ્રમાણે 6.5 ટકા રહેવાની ધારણા છે, જે વર્ષ 2023-24માં 9.2 ટકા રહ્યો હતો. બેઝ ઈફેક્ટમાં સુધારો કરીને તેને ઊંચે લઈ જવામાં આવી છે તેમ છતાં ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિદર પ્રથમ આગોતરા અંદાજના 6.4 ટકાથી વધુ રહેવાની ધારણા છે. દરમિયાન વર્ષ 2023-24 માટેનો વૃદ્ધિદર 100 બેસિસ પોઇન્ટ વધારવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના અર્થતંત્રનું કદ વધીને રૂ. 331 લાખ કરોડ રહેશે એવો અંદાજ મુકવામાં આવ્યો છે. સૌપ્રથમ અંદાજ અંતર્ગત આ આંકડો રૂ. 324 લાખ કરોડ રહેવાની ધારણા હતી.


  • Follow us on: