ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો દર એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન (આઇઆઇપી) એપ્રિલ, 2025માં 2.7 ટકા નોંધાયો છે, જે છેલ્લા આઠ મહિનાની સૌથી નીચી સપાટી છે.

માર્ચમાં નોંધાયેલા 3.94 ટકાના વૃદ્ધિદરથી પણ આ દર નીચો છે. સમીક્ષા હેઠળના મહિનામાં આઇઆઇપી 152.0ના સ્તરે રહ્યો છે, જે એપ્રિલ, 2024માં નોંધાયેલા 148.0થી વધારે છે. અ મહિના દરમિયાન ઇન્ડેક્સમાં સૌથી વધુ વેઇટેજ ધરાવતા ઉત્પાદન ક્ષેત્રએ 3.4 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે માર્ચમાં 3.0 ટકા હતો. માર્ચમાં વીજ ઉત્પાદન 1.1 ટકાના દરે વધ્યું છે, જ્યાર ખનીજ ઉત્પાદમાં 0.2 ટકાના નજીવા દરે ઘટાડો નોંધાયો છે. ઉત્પાદન ક્ષેત્રના કુલ 23 ઔદ્યોગિક જુથોમાંથી 16 જુથે વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે બાકીના સાતનો વૃદ્ધિદર ઘટયો છે. ટ્રમ્પની ટેરિફે ઊભી કરેલી અનિશ્ચીતતાઓને પગલેકોર સેકટરનો વૃદ્ધિદર એપ્રિલમાં ઘટીને 0.5 ટકાની આઠ મહિનાની નીચી સપાટીએ ગયો હતો, જે માર્ચમાં 4.6 ટકા રહ્યો હતો. કોર સેકટર આઇઆઇપીમાં 40 ટકા વેઇટેજ ધરાવે છે અને આઠ મુખ્ય ક્ષેત્રનું પ્રતિનિધત્ત્વ કરે છે. એપ્રિલમાં સિમેન્ટ ક્ષેત્રનો વૃદ્ધિદર 6.7 ટકા રહ્યો હતો, જ્યારે કોલસાનો વૃદ્ધિદર 3.5 ટકા રહ્યો હતો. એપ્રિલમાં કન્ઝયુમર ડયુરેબલ્સનો વૃદ્ધિદર 6.4 ટકા રહ્યો છે, જ્યારે નોન-કનઝયુમેબલ ડયુરેબલ્સનો વૃદ્ધિદર 1.7 ટકા નોંધાયો છે. આવી જ રીતે ફેકટરી આઉટપુટનો વૃદ્ધિદર 5.2 ટકા નોંધાયો છે.