ઇક્વિટી ફંડોમાં આવતા રોકાણનો પ્રવાહ માર્ચ મહિનામાં ઘટીને રૂ. 25,082 કરોડની સપાટીએ પહોંચ્યો છે, જે આ પ્રવાહની છેલ્લા અગિયાર મહિનાની સૌથી નીચી સપાટી છે.
ફેબ્રુઆરીના રૂ. 29,303 કરોડના આંકડાની તુલનાએ માર્ચનો આ આંકડો 14 ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે આટલા ઘટાડા છતાં પણ સતત 49 મહિને ઇક્વિટી ફંડોમાં રોકાણનો પ્રવાહ પોઝિટીવ રહ્યો છે. માર્ચમાં શેરબજારમાં રિકવરી જોવા મળી હતી અને સેન્સેક્સ 5.77 ટકા અને નિફ્ટી 6.30 ટકા વધીને બંધ રહ્યો હતો તેમ છતાં રોકાણનો આ પ્રવાહ ઘટયો છે. ડેટ ફંડોમાં રૂ. 2.03 લાખ કરોડના નેટ આઉટફ્લોના પગલે માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કીમોમાં રૂ. 1.64 લાખ કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો છે. જોકે આમ છતાં માર્ચમાં ઇક્વિટીમાં તેજી નોંધાઇ હોવાના કારણે મ્યુચ્યુઅલ ફંડોની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ માર્ચમાં 1.87 ટકા વધીને રૂ. 65.74 લાખ કરોડ થઇ છે. દરમિયાન માર્ચ મહિનામાં એસઆઇપી સ્ટોપેજનો રેશિયો 127 ટકાની વિક્રમી ટોચે પહોંચ્યો છે, જે ફેબ્રુઆરીમાં 122 ટકા હતો. માર્ચ મહિનામાં એસઆઇપીના કુલ નવા 40 લાખ ખાતા ખોલાવવામાં આવ્યા હતા, જેની સામે 51 લાખ ખાતા બંધ કરાવવામાં આવ્યા હતા. આટલા ખાતા બંધ કરાતા એસઆઇપી ખાતાની કુલ સંખ્યા પણ 10.16 કરોડથી ઘટીને 10.05 કરોડ થઇ છે. આ સાથે માર્ચ મહિનામાં એસઆઇપી હેઠળની એયુએમનો આંકડો રૂ. 13.35 લાખ કરોડ થાય છે, જે કુલ એયુએમના 20 ટકા જેટલી છે.
મ્યુચ્યુઅલ ફંડોમાં માર્ચમાં રોકાણના મહત્ત્વના અંશો પર નજર
એસઆઇપીનો પ્રવાહ ચાર મહિનાની નીચી સપાટીએ
યુવા વર્ગમાં લોકપ્રિય એસઆઇપી રૂટથી મ્યુચ્યુઅલ ફંડોમાં આવતા રોકાણના પ્રવાહ પણ માર્ચ મહિના દરમિયાન નજીવો ઘટીને રૂ. 25,926 કરોડ થયો છે, જે ચાર મહિનાની સૌથી નીચી સપાટી છે.
સેક્ટોરલ-થિમેટિક ફંડના રોકાણમાં 97 ટકાનો ઘટાડો
માર્ચ મહિનામાં રોકાણના પ્રવાહમાં ઘટાડો થયો તેના માટે સેકટોરલ - થિમેટીક ફંડોના રોકાણમાં થયેલો જંગી ઘટાડો જવાબદાર છે. આ ફંડોમાં આવતા રોકાણનો પ્રવાહ ફેબ્રુઆરીમાં રૂ. 5,711 કરોડ હતો, જે માર્ચમાં 97 ટકા ઘટીને માત્ર રૂ. 170 કરોડ નોંધાયો છે.
લાર્જકેપ ફંડોમાં રોકાણ ઘટયું
લાર્જ કેપ ફંડોમાં આવતું રોકાણ ફેબ્રુઆરીની
તુલનાએ 13.5 ટકા ઘટીને રૂ. 2,479 કરોડ થયો છે.
ડેટ ફંડોમાં રૂ. 2.03 લાખ કરોડનો જંગી આઉટફ્લો ।
માર્ચમાં ડેટ ફંડોમાં જોવા મળેલો આઉટફ્લો નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. ફેબ્રુઆરીમાં આ ફંડોમાં રૂ. 6,525 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો હતો, જે માર્ચમાં વધીને રૂ. 2.03 લાખ કરોડ થયો છે.
દસ મહિના સુધી સતત ઇનફ્લો પછી ગોલ્ડ ઇટીએફમાં આઉટફ્લો ।
સતત દસ મહિના સુધી નેટ ઇનફ્લો નોંધાવ્યા પછી માર્ચમાં ગોલ્ડ ઇટીએફમાં રૂ. 77.21 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો છે, જેની તુલનાએ ફેબ્રુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાં રૂ. 1,979 કરોડનો નેટ ઇનફ્લો નોંધાયો હતો.
જોખમી મિડ કેપ-સ્મોલ કેપ ફંડોમાં રોકાણ વધ્યું
વધુ જોખમી ગણાતા સ્મોલ કેપ અને મિડ કેપ ફંડોમાં જોકે માર્ચમાં રોકાણ વધ્યું છે. સ્મોલ કેપ ફંડોમાં આવેલા રોકાણનો આંકડો ફેબ્રુઆરીની તુલનાએ 10 ટકા વધીને રૂ. 4,092 કરોડ થયો છે, જ્યારે મિડ કેપ ફંડમાં આ આંક 0.9 ટકા વધીને રૂ. 3,438 કરોડ થયો છે.