ઇક્વિટી મ્ચુચ્યુઅલ ફંડોમાં આવતા રોકાણના પ્રવાહનો આંકડો એપ્રિલ મહિનામાં માસિક ધોરણે 3.2 ટકા ઘટીને રૂ. 24,269 કરોડ નોંધાયો છે.
અગાઉ માર્ચ મહિનામાં આ આંકડો રૂ. 25,082 કરોડ હતો. એપ્રિલ મહિનામાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 3.65 ટકા અને 3.46 ટકા વધીને બંધ રહ્યા હતા, તેમાં છતાં એપ્રિલમાં ઇક્વિટી ફંડોમાં આવતા પ્રવાહમાં નજીવો ઘટાડો નોંધાયો છે. આ સાથે ઇક્વિટી ફંડોમાં આવતા રોકાણના પ્રવાહમાં એપ્રિલ મહિનામાં સતત ચોથા મહિનામાં ઘટાડો નોંધાયો છે અને આ આંકડો છેલ્લા 12 મહિનાની સૌથી નીચી સપાટી છે. જોકે છેલ્લા 50 મહિનાથી ઇક્વિટી ફંડોમાં આવતા રોકાણનો પ્રવાહ પોઝિટીવ રહ્યો છે.
એપ્રિલ મહિનામાં ઇક્વિટી ફંડોમાં મિડ કેપ તથા સ્મોલ કેપ ફંડોમાં આવતા રોકાણમાં ઘટાડો નોંધાયો છે. મિડ કેપ ફંડોમાં નેટ ઇનફ્લો 3.6 ટકા ઘટીને રૂ. 3,313 કરોડ થયો છે, જ્યારે સ્મોલ કેપ ફંડોમાં આવતો પ્રવાહ 2.3 ટકા ઘટીને રૂ. 3,999 કરોડ થયો છે. આનાથી વિપરીત પ્રમાણમાં સલામત ગણાતા લાર્જ કેપ ફંડોમાં આવતો પ્રવાહ 7.8 ટકા વધીને રૂ. 2,671 કરોડ થયો છે. જોકે એપ્રિલ મહિના દરમિયાન રોકાણના પ્રવાહમાં સૌથી મોટો ઉછાળો સેકટોરલ અને થિમેટિક ફંડોમાં આવ્યો છે અને આ ફંડોમાં રોકાણનો આંકડો 1,076 ટકા વધીને રૂ. 2,000 કરોડ થયો છે. દરમિયાન એપ્રિલ મહિનામાં ડેટ ફંડોમાં રૂ. 2.19 લાખ કરોડનો નેટ ઇનફ્લો નોંધાયો છે. આની તુલનાએ માર્ચ મહિનામાં આ ફંડોમાં રૂ. 2,02,663 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો હતો.
ઇક્વિટી અને ડેટ બન્ને ફંડોમાં નેટ ઇનફ્લો નોંધાતા એપ્રિલ મહિના દરમિયાન ઇક્વિટી ફંડોની તમામ સ્કીમોમાં રૂ. 2.77 લાખ કરોડનો નેટ ઇનફ્લો નોંધાયો છે. આ ઉપરાંત આ મહિના દરમિયાન મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ પણ વધીને રૂ. 69.99 લાખ કરોડ પર પહોંચી છે, જેનો આંકડો માર્ચના અંતે રૂ. 65.74 લાખ કરોડ હતો.