પાછલા સપ્તાહમાં શુક્રવારે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ જાહેર થયા પછી રવિવારે શાંતિ જળવાતા ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ સેશનમાં જ ટકાવારીની દ્રષ્ટિએ ચાર વર્ષનો સૌથી મોટો અને પોઇન્ટની દ્રષ્ટિએ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો અને સેન્સેક્સ 3,000 પોઇન્ટ જેટલો વધીને બંધ રહ્યો હતો.

તે પછી મંગળવારે પ્રોફિટ બુકિંને પગલે મંદી આવતા સેન્સેક્સ 1,300 પોઇન્ટ જેટલો ઘટયો હતો, પણ ગુરુવારે ભારતે ઝીરો ટેરિફની ઓફર કરી હોવાના યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પના નિવેદનને પગલે બજારમાં તેજી ફુંકાતા સેન્સેક્સ ફરી 1,200 પોઇન્ટ વધ્યો હતો. આમ નોંધપાત્ર તેજી સાથે શુક્રવારે પૂરા થયેલા સપ્તાહમાં સેન્સેક્સ 2,876 પોઇન્ટ એટલે કે 3.61 ટકા અને નિફ્ટી 1,011 પોઇન્ટ એટલે કે 4.21 ટકા વધીને બંધ રહ્યો હતો. બીજી તરફ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ પણ 2,894 પોઇન્ટ એટલે કે 6.87 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 4,574 પોઇન્ટ એટલે કે 9.78 ટકા વધીને બંધ રહ્યો હતો. આવી વ્યાપક તેજીને કારણે સપ્તાહના પાંચ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 26.44 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. વીતેલા સપ્તાહમાં સેકટોરલ ઇન્ડેક્સમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી હતી અને નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સમાં તો 11 ટકાનો ઉછાળો નોંધાયો હતો. પાક્સિતાન સાથે તણાવ વધતાં ડિફેન્સ કંપનીઓનો કારોબાર વધશે એવી આશાએ આ વધારો નોંધાયો હતો. આ સિવાય યુએસની રેસિપ્રોકલ ટેરિફને પગલે જે ક્ષેત્રોને વધારે અસર થવાની હતી એવા મેટ, આઇટી, ઓટો ક્ષેત્રના શેરોમાં આ સપ્તાહમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી, કારણ કે યુએસ સાથે ટ્રેડ ડિલ ફાયનલ થશે એવી આશા ઉજળી બની હતી. બીજી તરફ ફુગાવાનો દર 68 મહિનાની નીચી સપાટીએ જતા આરબીઆઇ વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો કરશે એવી આશાએ બેંકિગ અને ફાયનાન્સિયલ ક્ષેત્રે અને અન્ય રેટ સેન્સિટિવ શેરો પણ સપ્તાહમાં ઊંચકાયા હતા.

વીતેલા સપ્તાહમાં વોલેટાલિટી ઇન્ડેક્સ 23.48 ટકા ઘટયો

વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 2.02 ટકા ઘટીને 16.55ની સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ટ્રા ડેમાં ફિયર ગેજ ઇન્ડેક્સ તરીકે ઓળખાતો આ ઇન્ડેક્સ 3.96 ટકા ઘટીને એક સમયે 16.22ની સપાટીએ પહોંચી ગયો હતો. દરમિયાન એક સપ્તાહમાં આ ઇન્ડેક્સમાં 23.48 ટકાનો ઘટાડો નોંધાયો છે. પાછલા સપ્તાહે શુક્રવારે આ ઇન્ડેક્સ 21.63ની સપાટીએ બંધ રહ્યો હતો, જે હવે 16.55ની સપાટીએ આવી ગયો છે. પાકિસ્તાન સાથેનો તણાવ લગભગ ઓસરી જતા અને અમેરિકા સાથેના ટ્રેડ ડિલ અંગેની અનિિૃતતાઓ દુર થતા આ ઇન્ડેક્સમાં આટલો નોંધપાત્ર સુધારો નોંધાયો છે.