મંગળવાર અને બુધવાર વચ્ચેની મધ્યરાત્રિએ ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી તે પછી આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલશે એવી કેટલાક રોકાણકારોને દહેશત હતી જે સંપૂર્ણપણે ખોટી સાબિત થઇ છે.
પ્રારંભે થોડા નીચામાં ખુલ્યા પછી સેશન આગળ વધ્યુ તેમાં સુચકાંકોમાં પણ તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં ઘટયા મથાળેથી 907 પોઇન્ટ અને નિફ્ટી 229 પોઇન્ટ વધ્યો હતો. સેશનના અંતે પણ બન્ને સુચકાં નજીવા વધારા સાથે બંધ રહ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તો નોંધપાત્ર તેજી જોવા મળી હતી. રોકાણકારોને ભારતીય શેરબજારમાં એટલો વિશ્વાસ છે કે પાકિસ્તાન પરની એરસ્ટ્રાઇક પછીના સેશનમાં સ્થાનિક રોકાણકારોએ તો લેવાલી કરી જ હતી, વિદેશી ફંડોએ પણ સતત નેટ લેવાલી કરવાનો ટ્રેન્ડ જાળવી રાખ્યો હતો.
પ્રારંભે 693 પોઇન્ટ નીચમાં ખુલ્યા પછી સેન્સેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 80.844ની હાઇ અને 79,937ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 907 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 105 પોઇન્ટ એટલે કે 0.13 ટકા વધીને 80,746ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 146 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 24,449ની હાઇ અને 24,220ની લો સપાટી બનાવી હતી અને કુલ 229 પોઇન્ટની વધઘટને અંતે 34 પોઇન્ટ એટલે કે 0.14 વધીને 24,414ની સપાટીએ બંધ રહ્યો હતો. ગઇકાલથી વિપરીત લાર્જ કેપની તુલનાએ આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વધારે તેજી જોવા મળી હતી. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ આજે 578 પોઇન્ટ એટલે કે 1.36 ટકા વધીને 42,970ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 542 પોઇન્ટ એટલે કે 1.16 ટકા વધીને 47,377ની સપાટીએ બંધ રહ્યો હતો. એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં જો કે આજે મંદી આગળ વધી હતી અને બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 170 પોઇન્ટ એટલે કે 0.20 ટકા ઘટીને 89,585ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,046 શેર પૈકી 2,099 વધીને, 1,800 ઘટીને અને 147 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ આજે રૂ. 423.50 લાખ કરોડ એટલે કે 5.01 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું જે ગઇકાલના રૂ. 420.98 કરોડથી રૂ. 2.52 લાખ કરોડનો વધારો દર્શાવે છે. આ સાથે એમ કેપ ફરી પાછું 5 ટ્રિલિયન ડોલરને પાર ગયું છે. સેન્સેક્સના 30 પૈકી 16 અને નિફ્ટીના 50 પૈકી 23 શેર આજે વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી ટાટા મોટર્સમાં 5.05 ટકાનો અને બજાજ ફાયનાન્સમાં 2.14 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે એશિયન પેઇન્ટ્સ 3.53 ટકા અને સન ફાર્મા 2.06 ટકા ઘટયો હતો. નિફ્ટીના શેરો પૈકી જિયો ફાયનાન્સ 2.11 ટકા વધ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 0.34 ટકા વધીને 19.06ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી ત્રણ ઘટીને અને 11 વધીને બંધ રહ્યા હતા.
એફઆઇઆઇની રૂ. 2,585 કરોડની નેટ ખરીદી
એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 2,585 કરોડની નેટ ખરીદી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 2,378 કરોડની નેટ ખરીદી કરી હતી. આ સાથે મે મહિનાના ચાર સેશનમાં એફઆઇઆઇએ કરેલી નેટ ખરીદીનો આંકડો રૂ. 9,647 કરોડ થાય છે જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ ખરીદીનો આંકડો રૂ. 7,059 કરોડ થાય છે.
યુકે સાથેનું ટ્રેડ ડીલ ફાઇનલ થતાં ટેક્સટાઇલ્સ શેરોમાં 19 ટકા સુધીનો વધારો
યુકે સાથે ટ્રેડ ડિલ ફાઇનલ થતાં નિકાસ વધશે એવી આશાએ ભારતની ટેક્સટાઇલનું ઉત્પાદન કરતી કંપનીઓના શેરોમાં આજે ઇન્ટ્રા ડેમાં 19 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. સૌથી વધું 18.8 ટકાનો ઉછાળો ગોકલદાસ એક્સપોર્ટ્સમાં નોંધાયો હતો, જ્યારે કેઆરપી મિલમાં 101. ટકાનો, અરવિંદ લિમિટેડમાં 5.8 ટકાનો વધારો નોંધાયો હતો. ભારતને યુકેમાં હવે ઝીરો ડયુટીએ નિકાસ કરવા મળશે એના કારણે ટેક્સટાઇલ્સની નિકાસમાં અન્ય પ્રતિસ્પર્ધી દેશો જેવા કે વિયેટનામ અને બાંગ્લાદેશની તુલનાએ ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધશે એવા આશાવાદે આ ઉછાળો જોવા મળ્યો હતો.
ડિફેન્સ કંપનીઓના એમ કેપમાં પહેલગાવ હુમલા પછી 5 અબજ ડોલરનો વધારો
પહેલગામમાં આંતકી હુમલો થયો તે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધશે અને તેને પગલે ડિફેન્સ ઉત્પાદનોની માંગ વધશે એવી આશાએ આ હુમલાની 22 એપ્રિલની તારીખથી અત્યાર સુધીમાં ભારતની ડિફેન્સ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ 5 અબજ ડોલરથી પણ વધુ વધારો નોંધાયો છે, જે આશરે 5 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવે છે. આવી કંપનીઓમાં હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ સમાવિષ્ટ છે. દરમિયાન આજે એરસ્ટ્રાઇક પછીને સેશનમાં કેટલીક ડિફેન્સ કંપનીઓ જેવી કે મઝગાંવ ડોક્સ લિમિટેડમાં ઇન્ટ્રા ડેમાં 4.6 ટકાનો અને હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો હતો.