દુનિયાના સૌથી સફળ રોકાણકાર વોરેન બફેટે મે 2025માં પોતાની કંપનીની 60મી એન્યુઅલ મીટિંગમાં કહેલું, જો તમારા શેર 15 ટકા તૂટે અને તમને તેનાથી ફરક પડે, તો તમારે તમારી રોકાણ વિચારસરણીને બદલવી પડશે; કેમ કે, દુનિયા તમારા હિસાબે નહીં ચાલે, તમારે જ તેના પ્રમાણે ઢળવું પડશે. આ વાતને કેન્દ્રમાં રાખીને દરેક રોકાણકારને સલાહ અપાય છે કે, પોતાની રિસ્ક પ્રોફાઇલ અનુસાર રોકાણ કરે; પરંતુ, રિસ્ક પ્રોફાઇલ માત્ર આંકડા કે ગ્રાફ નથી હોતી, તેમાં ફાઇનાન્શિયલ કેપેબિલિટી અને માનસિક શક્તિ એ બે બાબતો ખૂબ મહત્ત્વની હોય છે.

પોતાની ફાઇનાન્શિયલ કેપેબિલિટી એ છે કે, તમારી પાસે કેટલા પૈસા છે, કેટલાં વર્ષ રોકાણ કરી શકો એમ છો અને ગોલ શો છે. આ બધી બાબતો એ નક્કી કરે છે કે તમારી જોખમ ઉઠાવવાની શક્તિ કેટલી છે. આ બાબત ડેટા અને પ્લાન સાથે જોડાયેલી છે. જ્યારે તમારી માનસિક તાકાતની ચકાસણી બજારની વધઘટ સાથે સંકળાયેલી છે. જ્યારે બજાર તૂટતું દેખાય છે ત્યારે તમે ગભરાઈ જાઓ છો કે શાંત રહીને સમજી-વિચારીને નિર્ણય કરો છો; એ મહત્ત્વનું છે. આ બાબત ડર, લાલચ અને ધૈર્ય સાથે સંકળાયેલી છે.

જોખમ ઉઠાવવાની ક્ષમતા છે, તો ડર શાનો?

જો કોઈ વ્યક્તિની આવક નિિૃત નથી, લોન ખૂબ વધારે છે કે તેની કમાણીની સરખામણીએ તેના પર આધારિત લોકો વધારે છે; તો આ સ્થિતિ ઘણી નાજુક મનાય છે. આવી સ્થિતિમાં વધારે જોખમ લેવું યોગ્ય નથી મનાતું અને ત્યાં સુધી ખાસ કશું કરી શકાતું નથી જ્યાં સુધી સ્થિતિમાં સુધારો ન થાય. પરંતુ જો તમારી આવક સારી અને સ્થિર છે, લોન ખૂબ ઓછી કે બિલકુલ નથી, ખર્ચ કન્ટ્રોલમાં છે અને નજીકના ભવિષ્યમાં કોઈ મોટો ખર્ચ કે જવાબદારી નથી તો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન મજબૂત માનવામાં આવે છે. તેનો અર્થ એ કે, તમે એક હદ સુધી જોખમ ઉઠાવી શકો છો.મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે એવા લોકો, જેઓ જોખમ ઉઠાવવાની સ્થિતિમાં છે, તોપણ ખૂબ વધારે ડરે છે, ઉદાહરણ તરીકે, તેઓ શેરબજારમાં નાણાં રોકે છે, જેથી સારું રિટર્ન મળી શકે, પરંતુ, માર્કેટ જેવું થોડુંક તૂટે છે તો ગભરાઈ જાય છે, બેચેન થઈ જાય છે અને પૈસા કાઢી લેવાનું વિચારવા લાગે છે. વોરેન બફેટ આ જ વાતને સમજાવી રહ્યા છે કે, જો તમે જોખમ ઉઠાવવાની સ્થિતિમાં છો, તેમ છતાં બજારની નાનીમોટી વધઘટથી પરેશાન થઈ જાઓ છો, તો તમારે રોકાણની તમારી વિચારસરણી બદલવી પડશે. દુનિયા તમારી ઇચ્છો અનુસાર નહીં બદલાય, તમારે દુનિયા (અને બજાર)ને સમજીને પોતાને તે પ્રમાણે ઢાળવા પડશે. એમાં જ સમજદારી છે.

શેરબજારની વધઘટથી ડર્યા તો તમારી પાસે બે રસ્તા છો

જો તમે શેરબજાર 15-20 ટકા તૂટે તો સહન નથી કરી શકતા તો તમારી પાસે બે રસ્તા છે - કાં તો ઇક્વિટી જેવા જોખમવાળા રોકાણથી દૂર રહો અથવા ધીમે ધીમે પોતાને ઉતાર-ચઢાવને સહન કરવા માટે ટ્રેન કરી લો, મોટા ભાગે ફાઇનાન્સ એક્સ્પર્ટ પ્રથમ રસ્તાની જ સલાહ આપે છે; પરંતુ, બીજો રસ્તો જ તમને લાંબી રેસમાં આગળ લઈ જઈ શકે છે.

જો ઇક્વિટીમાં રોકાણ નહીં કરો તો? । જો તમે માત્ર સલામત વિકલ્પમાં રોકાણ કરો છો, તો મોઘવારી તમારી બચતને ધીમે ધીમે ખતમ કરી શકે છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે પૈસાની સૌથી વધારે જરૂર હોય છે, ત્યારે જો ફંડ ખતમ થઈ ગયું તો મુશ્કેલીઓ વધી જશે. તે સમયે કન્ઝર્વેટિવ એલોકેશનવાળી સલાહ કશા કામમાં નહીં આવે.

ડગ લાગે છે તો ટ્રેનિંગ લો

જો તમને શેરબજારથી બીક લાગે છે, તો તેનો મતલબ એ છે કે તમારે પોતાની જાતને તૈયાર કરવાની જરૂર છે. આ તૈયારી બે ભાગમાં થઈ શકે છે - શીખવું અને અનુભવ લેવો. પોતાને ઇક્વિટી વિશે માહિતી આપો - શેર રિટર્ન કઈ રીતે આપે છે? જ્યારે માર્કેટ તૂટે ત્યારે શું કરવું જોઈએ? કોઈ કંપનીની ખરી વેલ્યૂ કેટલી છે? આ સવાલોને સમજીને તમે એક સમજીવિચારીને રોકાણ કરનારી વ્યક્તિ બની જશો. હવે અનુભવ લો. થોડા પૈસા ઇક્વિટીમાં રોકી જુઓ - એવા પૈસા જે ખોવાઈ જાય તોપણ કશો ફરક ન પડે. તેને શીખવાની ટયૂશન ફીનો ખર્ચ સમજો. નાનો પોર્ટફોલિયો બનાવો, માર્કેટના ઉતારચડાવને જુઓ અને પોતાને પરખો કે શું તમે ગભરાઓ છો કે શાંત રહો છો? તેનાથી ધીમે ધીમે તમે શીખશો કે ક્યારે શું કરવાનું છે. કેટલાક સ્ટોક્સમાં નુકસાન થશે, કેટલાકમાં નફો. અનુભવથી તમારો આત્મવિશ્વાસ વધશે અને વિચાર મજબૂત થશે. થોડાં વરસોમાં તમે એક મજબૂત ઇન્વેસ્ટર બની શકો છો.

કેટલાક સરળ નિયમો યાદ રાખો । વધારે દેવું ધરાવતી કંપનીઓથી દૂર રહો. સતત નુકસાન કરતી કંપનીથી દૂર રહો. ખૂબ મોંઘા સ્ટોક્સ (જેવા કે, PE %+)માં રોકાણ ન કરો. જીડીપીથી ઝડપી વૃદ્ધિ કરતી કંપનીઓ પસંદ કરો. એક જ કંપનીમાં પાંચ ટકાથી વધુનું રોકાણ ન કરો. એક જ સેક્ટરમાં 40 ટકાથી વધુ રોકાણ ન કરો. અને, જરૂર પડે તો ફેરફાર પણ કરો.