ફેબ્રુઆરી, 2025માં મુંબઇ સ્થિત ન્યુ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકનું રૂ. 122 કરોડનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે સરકારે હવે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ સ્કીમ હેઠળની લિમિટ રૂ. 5લાખથી વધારવામાં આવશે એવી ડાહી ડાહી વાતો કરીને પ્રચાર કરાવ્યો હતો.

જોકે આ કૌભાંડનો ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં હજી કોઇ વધારો કરવામાં આવ્યો નથી અને હજી પણ આ મર્યાદામાં વધારો કરવામાં આશરે 6 મહિના જેટલો સમય નીકળી જાય છે એમ સૂત્રો જણાવી રહ્યા છે.

કોઇ પણ બેંક નાદારી નોંધાવે તો તેમાં નાગરિકો દ્રારા રૂ. 5 લાખ સુધીની મર્યાદામાં મુકવામાં આવેલી ડિપોઝિટ સામે સરકાર આ સ્કીમ અંતર્ગત વીમકવચ પૂરું પાડે છે અને આથી આવા કિસ્સામાં આટલી મર્યાદા સુધીમાં ડિપોઝિટ ધરાવતા રોકાણકારોને તેમના નાણાં પાછા મળી જાય છે. આ વીમા કવચ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) દ્રારા પુરું પાડવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત બચત અને ચાલુ ખાતાં સહિત જે તમામ ડિપોઝિટ હોય તેને આવરી લેવામાં આવે છે. છેલ્લે મહારાષ્ટ્રની જ પીએમસી બેંકનું કૌભાંડ બહાર આવ્યું અને આશરે રૂ. 6,100 કરોડનું કૌભાંડ બહાર આવ્યો ત્યારે એટલે કે 2020માં આ સ્કીમ હેઠળની મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. 5 લાખ કરાઇ હતી. 2020 પહેલા આ મર્યાદા માત્ર રૂ. એક લાખ જ હતી અને 1993થી એટલે કે 27 વર્ષ સુધી તેમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ન્યુ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંકનું કૌભાંડ પ્રકાશનમાં આવ્યું ત્યારથી એટલે કે ફેબ્રુઆરીથી આ મર્યાદા વધારવા માટે સરકાર દ્રારા વિચારણા કરવામાં આવી રહ્યો છે પરંતુ હજી આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આશરે 6 મહિનાનો સમય વીતી જાય એમ છે. આ મર્યાદા વધારવાનો પ્રસ્તાવ તો છે પણ તેને રૂ. 10 લાખથી વધુ વધારવામાં આવે એવી શક્યતા નથી. નાણામંત્રાલય આ મર્યાદા વધારવાના સંદર્ભમાં અનેક પાસાઓ પર વિચારણા કરી રહ્યું છે, જેમાં કુલ કેટલા લોકોને વીમાકવચ અંતર્ગત આવરી લેવામાં આવશે, કુલ કેટલી રકમની ડિપોઝિટને વીમકવચ પુરું પાડવું પડશે અને સરકાર કેટલી હદે ગેરંટી આપવા સક્ષમ છે તે સહિતના વિવિધ પાસાંઓ સમાવિષ્ટ છે. હાલમાં સરકારની આવકનું જે સ્તર છે અને મર્યાદા વધારવામાં આવે તો સુરક્ષા કવચ ધરાવતી હોય એવી ડિપોઝિટનો કુલ આંકડો કેટલો થાય તેના આંકડાના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.