એક્સ્પોર્ટ' એટલે કે નિકાસનો અર્થ છે. આપણાં દેશમાંથી માલ કે સેવા અન્ય કોઈ દેશમાં મોકલવા. આ પ્રકારે અન્ય દેશમાં મોકલવા ઉપરાંત માલ કે સેવા જો એક્સ્પોર્ટ ઓરિએન્ટેડ યુનિટ (EOU) ને આપવામાં આવે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાપિત ઉદ્યોગને (SEZ યુનિટને) આપવામાં આવે તો પણ તેને એક્સ્પોર્ટ ગણવામાં આવે છે, કારણ કે આવા વ્યવહારોમાં પણ ફાઇનલ પ્રોડક્ટ દેશની બહાર મોકલવામાં આવે છે.


આ બધા જ એક્સ્પોર્ટ માટે જી.એસ.ટી.ના કાયદામાં જોગવાઈ છે કે જી.એસ.ટી. ભરવામાંથી મુક્તિ અને આવાં વ્યવહારોમાં ઉપયોગમાં લેવાયેલ ઇનપુટ/ઇનપુટ સર્વિસના ટેક્સની ક્રેડિટ (ITC) મળવાપાત્ર છે અને આ ક્રેડિટનું રિફંડ પણ આપવામાં આવે છે. એક્સ્પોર્ટના આ બધા જ વ્યવહારોને 'ઝીરો રેટેડ સપ્લાય' તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારના ઝીરો રેટેડ સપ્લાયમાં વપરાયેલ ઇનપુટ/સર્વિસની વણવપરાયેલ ક્રેડિટનું રિફંડ આઇ.જી.એસ.ટી. એક્ટની કલમ નં.16 અને સી.જી.એસ.ટી. એક્ટની કલમ નં.54 હેઠળ આપવાની જોગવાઈ છે.

ઝીરો રેટેડ સપ્લાયના લાભો

એક્સ્પોર્ટ (ઝીરો રેટેડ સપ્લાય) માટે વપરાતા તમામ ઇનપુટ અને ઇનપુટ સર્વિસ ઉપર ભરાયેલ ટેક્સની આઇ.ટી.સી.નું રિફંડ આપવાની જોગવાઈ આઇ.જી.એસ.ટી. એક્ટની કલમ 16(3)(એ) હેઠળ કરાયેલી છે અને આ રિફંડની ગણતરી માટે સી.જી.એસ.ટી. રૂલ્સના નિયમ 89 હેઠળ જોગવાઈ થયેલ છે. નિયમ 89(4) પ્રમાણે જ્યારે માલ કે સર્વિસનું એક્સ્પોર્ટ થાય અને આ ઝીરો રેટેડ સપ્લાય બોન્ડ કે એલ.યુ.ટી. હેઠળ ટેક્સની ચુકવણી કર્યા વગર કરવામાં આવે ત્યારે ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ આ નિયમ હેઠળ આપવામાં આવેલી ફોર્મ્યુલા પ્રમાણે આપવામાં આવશે. આ ફોર્મ્યુલા પ્રમાણે એક્સ્પોર્ટમાં વપરાયેલ ઇનપુટ/ઇનપુટ સર્વિસની ગણતરી proportionate અથવા રેશિયોના આધારે કરવામાં આવે છે અને એક્સ્પોર્ટના ઉપયોગ થયેલ ઇનપુટ/સર્વિસનું પ્રપોર્શનેટ રિફંડ આપવામાં આવે છે. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે આ ફોર્મ્યુલા પ્રમાણે રિફંડ આપવાની જોગવાઈ અને નિયમ 89(4એ)/ (4બી) વચ્ચે કોઈ ઘર્ષણ કે વિસંગતતા છે ? આ બાબતે આ નિયમો હેઠળ રિફંડની ગણતરી કરવાના વિવાદો છે.

રિફંડની પ્રોસિજર :

સી.જી.એસ.ટી. રૂલ્સ હેઠળ નિયમ નં.89 હેઠળ રિફંડ મેળવવાની પ્રોસિજર આપવામાં આવેલ છે. પરંતુ નિયમ 89(4) હેઠળની ફોર્મ્યુલા પ્રમાણે કરવામાં આવેલી અરજી અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવતી નથી, જો 'ઝીરો રેટેડ સપ્લાય' એટલે કે એક્સ્પોર્ટના વ્યવહારોમાં EOU અથવા એડવાન્સ ઑથોરાઇઝેશન હેઠળના ઇનપુટનો ઉપયોગ કરવામાં આવેલ હોય તે સંજોગોમાં. તો આવા સંજોગોમાં એક્સ્પોર્ટના રિફંડ માટે સી.જી.એસ.ટી. રૂલ્સ હેઠળ અન્ય ફોર્મ્યુલા પ્રમાણે અરજી કરવી પડે છે પરંતુ અન્ય નિયમો અને ફોર્મ્યુલાનું પાલન કરવું ખૂબ જ અઘરું છે અને મુશ્કેલ છે.

રિફંડની ગણતરીની અન્ય રીતે વ્યવસ્થા :

નિયમ 89 (4) ની ફોર્મ્યુલા લાગુ નહીં પાડવાના સંદર્ભે અધિકારીઓનું સૂચન એ છે કે નિયમ 89(4એ) અને (4બી) હેઠળ જે ટેક્સ પેઇડ ઇનપુટનો ઉપયોગ એક્સ્પોર્ટના માલના ઉત્પાદન માટે (એટલે કે making of good for zero rate supply) થયો હોય તેની આઇ.ટી.સી.ના રિફંડની જોગવાઈ હોવાથી, આવા ટેક્સ પેઇડ ઇનપુટની માહિતી આપવી વ્યાપારી માટે જરૂરી છે. એક્સ્પોર્ટના ક્યાં માલને બનાવવા માટે ક્યાં કર ભરાયેલા (tax paid) ઇનપુટનો ઉપયોગ થયો તે દસ્તાવેજી પુરાવા સાથે વ્યાપારીએ સાબિત કરવું જરૂરી છે. એટલે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 'વન : ટુઃ વન કોરિલેશન' સાબિત કરવાનો આગ્રહ અધિકારીઓ દ્વારા રાખવામાં આવે છે પરંતુ આવો વન ટુ વન કોરિલેશન સાબિત કરવો અશક્ય છે. કોઈ પણ વ્યાપારી એક્સ્પોર્ટ માટેના માલના ઉત્પાદન માટે પચીસથી ત્રીસ ઇનપુટ વાપરતો હોય આવા પચીસ/ત્રીસ ઇનપુટમાંથી ચાર કે પાંચ એક્ઝેમ્પશન હેઠળ મેળવાતો હોય, જે માલનું ઉત્પાદન થાય તેમાંથી વીસ કે ત્રીસ ટકાનું એક્સ્પોર્ટ કરતો હોય અને બાકીનો જથ્થો ભારતમાં ટેક્સ ભરીને સપ્લાય કરતો હોય અને માલનું ઉત્પાદન તેના એકમમાં સળંગ અને સતત રીતે ચાલતું હોય, તો આવા સંજોગોમાં એક્સ્પોર્ટના કોઈ એક કન્સાઇન્મેન્ટને તનાવવા માટે પચીસથી ત્રીસ ઇનપુટનો કયો જથ્થો (quantity) વપરાઈ અને આ જથ્થા પર આઇ.ટી.સી. મળવા પાત્ર હતી કે આવો જથ્થો એક્ઝેમ્પશન હેઠળ મેળવવામાં આવેલો, તે કેવી રીતે સાબિત થઈ શકે ? એવરેજ અથવા રેશિયો ઉપર આધારિત કોઈ ફોર્મ્યુલા સિવાય રિફંડની રકમની ગણતરી આવા સંજોગોમાં શક્ય જ નથી. તેથી નિયમ 89(4)નું સાચું અર્થઘટન એ છે કે ઝીરો રેટેડ સપ્લાય અંગે રિફંડની ગણતરી કરવા માટે આ નિયમ હેઠળ અપાયેલી ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરવો પડે, અને ઝીરો રેટેડ સપ્લાય માટે વપરાયેલાં ઇનપુટના વ્યવહારો ઉપર ભરાયેલ ટેક્સની આઇ.ટી.સી.નું રિફંડ પણ આ જ ફોર્મ્યુલા અનુસાર ગણવાનું થાય. વન ટુ વન કોરિલેશન સાબિત કરવાની કોઈ જોગવાઈ જી.એસ.ટી.ના કાયદામાં નથી.

સી.જી.એસ.ટી. રૂલ્સના નિયમ 89(4)ની જોગવાઈ સરકારે ખાસ એવા ઉત્પાદક-નિકાસકર્તા માટે કરી છે જે અમુક ઇનપુટ/ઇનપુટ સર્વિસ કરમુક્તિ હેઠળ મેળવે અને બાકીના બધા જ ઇનપુટ/ઇનપુટ સર્વિસ ઉપર જી.એસ.ટી.ની ચુકવણી કરીને લાવે, અને આવા બધાં જ ઇનપુટ/ઇનપુટ સર્વિસનો ઉપયોગ કરીને જે માલનું ઉત્પાદન કરે તે માલના અમુક જથ્થાનું ભારત દેશમાં વેચાણ કરે, જ્યારે અમુક માલની નિકાસ કરે. જે ઇનપુટ/ઇનપુટ સર્વિસનો ઉપયોગ નિકાસના વ્યવહારો માટે થાય, તે ઇનપુટ/સર્વિસ ઉપર ભરાયેલ ટેક્સની ક્રેડિટ (આઇ.ટી.સી.)નું રિફંડ આપવાની જોગવાઈ આઇ.જી.એસ.ટી. એક્ટની કલમ 16(3) (એ) હેઠળ કરાઈ હોવાથી, આ રિફંડની ગણતરી કરવા માટેની ફોર્મ્યુલાનો ઉપયોગ અને તે ફોર્મ્યુલા પ્રમાણે રિફંડની ગણતરી જે ઉત્પાદન-નિકાસકર્તા અમુક ઇનપુટ/ઇનપુટ સર્વિસ એક્ઝેમ્પશન (કરમુક્તિ) હેઠળ મેળવે તેવા નિકાસકર્તા માટે થશે નહીં.

પરંતુ જી.એસ.ટી. કાઉન્સિલ દ્વારા આ પ્રશ્નના હલ માટે સરકારને ભલામણ કરવામાં આવેલ હોવાથી, નિયમ 89(4એ) અને (4બી)ને સી.જી.એસ.ટી. નિયમોમાંથી રદ કરવામાં આવેલ છે. ભૂતકાળના એક્સ્પોર્ટ બાબતે વિવાદો ચાલુ રહેતા હોવાથી, તે બાબતે સરકાર, કાઉન્સિલ અથવા અદાલત દ્વારા ઉપાય કરવાનું કાર્ય હજી પડતર રહે છે.

  • Follow us on: