બિલ્ડર્સ સાથે સંયુક્ત ડેવલોપમેન્ટ ડીલ કરનારા જમીન માલિકો સામે કેપિટલ ગેઈન્સ ટેક્સ મામલે આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


સમગ્ર દેશમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસ પાંખને સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોડી દ્વારા કહેવામાં આવ્યું છે કે,એવી સમજૂતીઓની તપાસ કરવામાં આવે જેમાં વ્યક્તિગત રીતે અને હિન્દુ અવિભાજિત કુટુંબો દ્વારા બિલ્ડર સાથે ડેવલોપમેન્ટ અંગે ડીલ કરવામાં આવી હોય અને તેમના દ્વારા બિલ્ડિંગ માટે કોમ્પ્લિશન કે ઓક્યુપેશન સર્ટિફિકેટ્સ (સીસી-ઓસીએસ) પ્રાપ્ત કર્યા બાદ પણ કેપિટલ ગેઈન ટેક્સની ચૂકવણી કરવામાં ન આવી હોય.

સામાન્ય રીતે સીસી-ઓસી જે તે સ્થાનિક મ્યુનિસિપાલિટિ દ્વારા એક વાર બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ જારી કરવામાં આવે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આઈટીની તપાસના પાંખના વિવિધ શહેરોના ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2020-2021, 2021-22 અને 2022-23માં જારી કરવામાં આવેલ સીસી કે ઓસીના ડેટા એકત્ર કરવામાં આવે. સીબીડીટીના ધ્યાન પર એ વાત આવી છે કે, ઘણાં કિસ્સામાં પાત્ર હોવા છતાં જમીન માલિક દ્વારા કેપિટલ ગેઈન ટેક્સની ચૂકવણી કરવામાં આવી નથી. ટેક્સ વિભાગ દ્વારા સીસી-ઓસીના ડેટા એકત્ર કરવાની આ સૌ પ્રથમ કવાયત છે. જેમાં લાયક પક્ષકારો દ્વારા સંયુક્ત ડેવલોપમેન્ટ સમજૂતી કરવામાં આવી હોય. તેમજ આવા ડેટાને યોગ્ય કાર્યવાહી માટે સંબંધિત અધિકારીને મોકલવામાં આવશે. સીબીડીટી દ્વારા કરદાતાઓને વારંવાર તાકીદ કરવામાં આવી હતી કે, ચૂકવવામાં નહીં આવેલ કર સીસી-ઓસી પ્રાપ્ત થયાના વર્ષ પ્રમાણે ચૂકવવામાં આવે. જેથી દંડની કાર્યવાહીને નકારી શકાય. નોંધનીય છે કે, બિલ્ડર સાથે સંયુક્ત ડેવલોપમેન્ટ સમજૂતી કરનાર જમીન કે સંપત્તિ માલિક આઈટી એક્ટની કલમ 45(પાંચ-એ) હેઠળ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવા માટે પાત્ર છે. લોંગ ટર્મ કેપિટલ ટેક્સનો દર 12.5 ટકા છે. જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનનો દર ઈન્કમ સ્લેબને આધારે દસ ટકાથી 39 ટકાની વચ્ચે છે.


  • Follow us on: