શેરબજારમાં કોઇ પણ શેરના મોટી સંખ્યામાં લેવાલ છે એવું ખોટી રીતે દર્શાવવા માટે બજારભાવથી ખૂબ જ નીચા ભાવે જંગી ઓર્ડર આપવા બદલ પટેલ વેલ્થ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ (પીડબ્લ્યુએ) નામની એક બ્રોકરેજ કંપની અને તેના સહયોગી પર માર્કેટના કામકાજમાં ભાવ લેવા પર સેબી દ્રારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આ કંપનીએ આ પ્રકારે ગેરરીતિ આચરી કરેલી રૂ. 3.22 કરોડની ગેરકાયદે કમાણી જમા કરાવવા માટે પણ આદેશ કરાયો છે.
શેરબજારની ભાષામાં આવી ગેરરિતીને સ્પુફિંગ તરીકે ઓળખવામાં આવે છે. એપ્રિલ 28ના રોજ જારી કરવામાં આવેલા સેબીના આ આદેશમાં જણાવ્યા મુજબ તપાસ કરનારા અધિકારીઓએ કેવી રીતે આ ગેરરીતિ પકડી તે દર્શાવવામાં આવ્યું છે. વૈશ્વિક બજારોમાં સ્પુફિંગની આ ગેરરીતિ પ્રચલિત છે, પરંતુ ભારતમાં આટલા મોટા પાયે આવી ગેરરીતિ આચરવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. અગાઉ 2023માં ભારતીય શેરબજારમાં નિમી એન્ટરપ્રાઇસિસ નામની એક ભાગીદાર કંપની આ પ્રકારની ગેરરીતિ આચરતાં પકડાઇ હતી, પરંતુ તે બહુ નાના પાયે હતી અને માત્ર કેશ સેગમેન્ટમાં આ કંપની દ્રારા આઠ મહિના માટે સ્પુફિંગ કરાયું હતું. જોકે પટેલ વેલ્થ એડવાઇઝર્સના કિસ્સામાં કેશ અને ડેવિવેટિવ્ઝ આ બન્ને સેગમેન્ટ સ્પુફિંગ કરવામાં આવ્યું હતું અને જાન્યુઆરી, 2021થી જાન્યુઆરી, 2025 દરમિયાન કુલ ચાર વર્ષમાં કુલ 173 શેરોમાં કુલ 621 વાર સ્પુફિંગ થયું હતું.
