અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે સોનું 500 રૂપિયાના ઉછાળા સાથે 98,000 રૂપિયાની નવી ઓલટાઇમ હાઇ સપાટીને આંબી ગયું છે.

જેને લઇને રોકાણકારો અને ખરીદદારો બંને અચંબામાં મૂકાઇ ગયા છે. બીજી તરફ ચાંદીની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ સાથે ચાંદી 96,500 રૂપિયે કિલો વેચાઇ હતી. વૈશ્વિક બજારમાં સોનું 24 ડોલર વધીને 3,329 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 59 સેંન્ટ ઘટીને 32.40 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX સોનામાં જુન માસના વાયદામાં 365 રૂપિયા ઘટીને 10 ગ્રામ સોનાનો ભાવ 95,296 રૂપિયા થયો હતો. જ્યારે ચાંદીમાં મે માસનો વાયદો 1,316 રૂપિયા ઘટીને ચાંદીનો કિલોનો ભાવ 94,934 રૂપિયા બોલાયો હતો.

કોમેક્સ સોનામાં 2.20 ડોલર વધીને સોનું 3,348.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. કોમેક્સ ચાંદી 5.55 સેંન્ટ ઘટીને 32,425 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. કમજોર પડી રહેલો ડોલર, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર ટ્રેડ વોરની વર્તાઇ રહેલી અસરના કારણે વૈશ્વિક બજારમાં અનિચ્છિતતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. જેને લઇને રોકાણકારો સોનામાં સેફ ઝોનમાં ખરીદી કરવા તરફ વળ્યા છે. બીજી બાજુ અમદાવાદમાં 98,000 રૂપિયે 10 ગ્રામ સોનું થઇ જતા લગ્નગાળામાં ખરીદી કરવા માંગતા પરિવારો માટે મોટી સમસ્યા આવી પડી છે.

એપ્રિલ માસમાં સોનામાં ઓલટાઇમ હાઇ વાળા ચાર મોટા ઉછાળા આવ્યા છે. ગત તા. 11 એપ્રિલે સોનું 96,300 થયું હતું. 12 એપ્રિલે સોનું 96,500 થયું હતું. 16 એપ્રિલે સોનું 97,500 અને તા.17 એપ્રિલે સોનાએ 98,000 રૂપિયાની ઓલટાઇમ હાઇવાળા જમ્પ માર્યા હતા.