રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના રાજયોના ખર્ચ પરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ સહકારી નાણાંકીય સંઘવાદની ભાવનાને મંદ કરે છે અને રાજય સરકારની ખર્ચની લવચીકતા ઘટાડે છે.
મધ્યસ્થ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સેન્ટ્રલ સ્પોન્શર્ડ સ્કીમ્સ (સીએસએસ)નું તર્કસંગતીકરણ રાજય વિશિષ્ટ ખર્ચની જરૂરિયાતોને પહોંચીવળવા માટે બજેટરી જગ્યા ખાલી કરી શકે છે અને સરકારોને નાણાંકીય બોજને ઘટાડી શકે છે. કેન્દ્રીય યોજના હેઠળનું વિતરણ જે 2020-21 અને 2021-22ના પ્રારંભિક બે વર્ષમાં રૂ.11,000 કરોડથી રૂ.15,000 કરોડની વચ્ચે હતું. તે 2022-23માં વધીને રૂ.81,195 કરોડ અને આગળ જતાં રૂ.1,09,523 કરોડ થયું હતું. 2023-24માં એકીકૃત રાજયોના મૂડી ખર્ચમાં આ લોનનો હિસ્સો 14.4 ટકા હતો. કેન્દ્ર તરફથી આ વ્યાજમુક્ત લોનને બાકાત રાખ્યા પછી પણ 2021-22થી રાજયોના મૂડી ખર્ચમાં સતત વધારો થયો છે. 2024-25 માટેના કેન્દ્રીય બજેટમાં રાજ્યોને સહાય કરવા માટે લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન હેઠળ ફાળવણીને વધારીને 2024-25માં રૂ.1.5 લાખ કરોડ કરવામાં આવી છે. જે અગાઉના વર્ષમાં રૂ.1.3 લાખ કરોડ હતી. વધુમાં કેન્દ્રએ પૂર્વોદય યોજના રજૂ કરવાની દરખાસ્ત કરી છે. જેનો ઉદ્દેશ્ય પૂર્વીય રાજયો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. સ્ટીડમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજયોના સબ નેશનલ ડેબ્ટનું સતત ઊંચું સ્તર દેવું એકત્રિકરણ માટે વિશ્વસનીય રોડમેપની માંગ કરે છે.










