ઉનાળો શરૂ થઇ ગયો છે ત્યારે ખેડુતો માટે માઠા સમાચાર છે. કઠોળ, દાળ અને તેલબિયાના બજારભાવ તેમના ટેકાના ભાવથી પણ નીચા સ્તરે ઉતરી ગયા છે. એક માત્ર ઘઉં અને કપાસના ભાવ હાલમાં ટેકાના ભાવથી ઉપર છે, એવી માહિતી સરકારી એજંસીઓએ એકત્ર કરેલા ડેટા પરથી મળે છે.

પાછલા વર્ષે પૂરતો વરસાદ પડતા ખરીફ અને રવિ સિઝનમાં જંગી કૃષિ ઉત્પાદન થયું છે. આ ઉપરાંત કઠોળ અને ખાદ્યતેલની પૂરતી આયાત કરવામાં આવતા કૃષિપેદાશોના ભાવ ટેકાના ભાવના સ્તરે જાળવી રાખવામાં સફળતા મળી છે. આવા સંજોગોમાં સરકાર પ્રાઇસ સપોર્ટ સ્કીમ અંતર્ગત ટેકાના ભાવે કૃષિપેદાશોની જંગી ખરીદી કરવા માંગતી હોવા છતાં હાલમાં કેટલીક કૃષિપેદાશોના ભાવ ટેકાના ભાવથી નીચે જતા રહ્યા છે.

2024માં ચોમાસું સામાન્ય કરતાં સારુ રહ્યું તે પછી 2025માં પણ ચોમાસું સરેરાશ કરતાં સારું રહેશે એવી આગાહીને પગલે આગામી મહિનાઓમાં વિવિધ જીવનજરૂરિયાતની કોમોડિટીઝના ભાવ સ્થિર રહે એવી ધારણા છે. શિયાળામાં થયેલો પાક બજારમાં આવતા શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવ ઘટતાં રિટેલ ફુગાવાનો દર પણ માર્ચ મહિનામાં ઘટીને 2.69 ટકાની 67 મહિનાની નીચી સપાટીએ ગયો છે. આ સાથે સતત પાંચ મહિનામાં રિટેલ ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. ચોખાના ભાવ હાલમાં પ્રતિ 100 કિલો રૂ. 2,300ના ટેકાના ભાવથી 2 ટકા નીચા છે. હાલમાં ખરીફ અને રવિ બન્ને પાકની લણણી કરી લેવામાં આવી છે ત્યારે આવી સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે સરકારે 2024-25ની ઓક્ટોબરથી સપ્ટેમ્બરની સિઝનમાં ટેકાના ભાવે 86 મિલિયન ટન ચોખાની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે પાછલા વર્ષથી આશરે 5 ટકા જેટલો વધારે છે.