• છેલ્લા ત્રણ વર્ષમાં સેન્સેક્સમાં 50 ટકાના વધારા સામે

  • કોટક મહિન્દ્રા 3 ટકા ઘટયો, એચડીએફસી બેંક માત્ર 4 ટકા વધ્યો
  • SBIના 1,634 કરોડના, જિયો ફાઇનાન્સિયલના 1,271 કરોડના શેર વેચી પ્રોફિટ બુકિંગ કર્યું

  હાલમાં મંદી તરફી ઝોક ધરાવતા એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં એપ્રિલ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોએ આશરે રૂ. 10,000 કરોડના શેર ખરીદ્યા હોવાના અહેવાલ છે. દલાલ સ્ટ્રીટના ઇતિહાસમાં આ બે શેરે સંપત્તિનું સર્જન કરવામાં ટોચે રહ્યા છે, પરંતુ 2024ના વર્ષમાં આ બન્ને શેરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, તેમ છતાં બજારથી વિપરીત જઇને મ્યુચ્યુઅલ ફંડોએ તેમાં મોટો દાવ લગાવ્યો છે.

  પાછલા મહિને કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેનો લાભ લઇને મ્યુચ્યુઅલ ફંડોએ આ બેંકના આશરે રૂ. 7,884 કરોડનું મૂલ્ય ધરાવતા કુલ 4.65 કરોડ શેર ખરીદ્યા છે. એચડીએફસી બેંકના કિસ્સામાં મ્યુચ્યુઅલ ફંડોએ આશરે રૂ. 1,859 કરોડનું મૂલ્ય ધરાવતા કુલ 1.22 કરોડ શેર ખરીદ્યા છે. કોટક મહિન્દ્રા બેંકના શેર ખરીદનારા મ્યુચ્યુઅલ ફંડોમાં નિપોન ઇન્ડિયા, ક્વાન્ટ એમએફ, આદિત્ય બિરલા સનલાઇફ, એચડીએફસી એમએફ, કોટક એએમસી અને એસબીઆઇ એમએફનો સમાવેશ થાય છે, જ્યારે એચડીએફસી બેંકના શેર ખરીદનારા મ્યુચ્યુઅલ ફંડોમાં એચડીએફસી એમએફ, એસબીઆઇ એમએફ, એક્સિસ એમએફ, નિપોન ઇન્ડિયા, ફ્રેંકલિન ટેમ્પલટોન અને કોટાક એમએફ સમાવિષ્ટ છે.

બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડોએ એપ્રિલ મહિનામાં એસબીઆઇના શેરમાં પ્રોફિટ બુક કર્યો છે. તેમણે એસબીઆઇના આશરે રૂ. 1,634 કરોડનું મૂલ્ય ધરાવતા શેરનું વેચાણ કર્યું હતું. આ ઉપરાંત ફંડોએ જીયો ફાઇનાન્સિયલના રૂ. 1,271 કરોડના અને બજાજ ફાયનાન્સના રૂ.1,140 કરોડના શેર વેચીને પ્રોફિટ બુક કર્યો હતો.

  ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ત્રણ વર્ષમાં શ્રોણીબદ્ધ નેગેટિવ ન્યુઝના કારણે એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંક બન્નેના શેરે તેઓ અગાઉ મૂલ્યાંકનમાં જે પ્રિમિયમ ધરાવતા હતા તે ગુમાવ્યું છે. હવે આવું પ્રિમિયમ

આઇસીઆઇસીઆઇ બેંક ધરાવે છે. નિષ્ણાતોના મતે હાલમાં ફાયનાન્સિયલ ક્ષેત્રના જે શેર અન્ડરપર્ફોમ કરી રહ્યા છે તેમાં 2થી 3 વર્ષના સમયગાળા માટે રોકાણ કરવામાં આવે તો તે સારું વળતર આપે એવી શક્યતા છે, કારણ કે બેંકોને અનુકૂળ આવે એવું જે મેક્રો સાયકલ છે તે આગામી કેટલાક વર્ષો સુધી ટકી રહે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સેન્સેક્સમાં 50 ટકાના વધારા સામે કોટક મહિન્દ્રા બેંકમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે એચડીએફસી બેંક માત્ર 4 ટકા જ વધ્યો છે.


  • Follow us on: