ભારતની તમામ લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો ત્રીજા ક્રમના સૌથી મોટા રોકાણકારો તરીકે ઊભરી આવ્યા છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જે તાજેતરમાં પ્રકાશિત કરેલા અહેવાલ ઇન્ડિયાસ ઓનરશિપ ટ્રેકર રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડના માલિકીના હિસ્સાની ટકાવારી પ્રથમ વાર 10 ટકાને પાર ગઇ છે. માર્ચ, 2024ના અંતે તમામ લિસ્ટેડ કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડોના માલિકીના હિસ્સાની ટકાવારી 8.9 ટકા અને ડિસેમ્બર, 2024ના અંતે 9.9 ટકા હતી, જે માર્ચ, 2025ના અંતે વધીને 10.4 ટકા થઇ છે. આના કારણે આવી માલિકીમાં મ્યુચ્યુઅલ ફંડો હવે વ્યક્તિગત રોકાણકારો અને ભારત સરકારથી આગળ નીકળી ગયા છે અને સૌથી વધુ હિસ્સો ધરાવતા રોકાણકારોમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડોના માલિકીના હિસ્સાની ટકાવારી આટલા નોંધપાત્ર પ્રમાણમાં વધી તેના માટે મુખ્યત્ત્વે રિટેલ ઇન્વેસ્ટર્સ દ્રારા એસઆઇપીના માધ્યમથી નિયમિત રીતે જે રોકાણ કરવામાં આવી રહ્યું છે અને પ્રત્યેક મહિને એસઆઇપીના પ્રવાહમાં વધારો થઇ રહ્યો છે એ બાબત જવાબદાર છે. આના કારણે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં એમએફના માલિકીના હિસ્સાની ટકાવારી 12.6 ટકાની અને નિફ્ટી 500 ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં માલિકીના હિસ્સાની ટકાવારી 10.7 ટકાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. વધુ મહત્ત્વની વાત એ છે કે તમામ લિસ્ટેડ કંપનીઓમાં એમએફના હિસ્સાની ટકાવારી પ્રથમ વાર 10 ટકાથી ઉપર ગઇ છે. ઉલ્લેખનીય છે કે એસઆઇઆઇ અંતર્ગત પ્રત્યેક મહિને આવતા રોકાણના સરેરાશ પ્રવાહમાં 2024-25ના નાણાકીય વર્ષમાં 45.2 ટકાના દરે વૃદ્ધિ નોંધાઇ છે. 2024ના સપ્ટેમ્બર મહિનામાં મુખ્ય સુચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ વિક્રમી ટોચ કાયમ કરી તે પછી ઓક્ટોબરથી ભારતીય શેરબજારમાં મંદીનો તબક્કો શરૂ થયો હતો અને 2025માં તો આ મંદી વધુ તીવ્ર બની હતી. આમ છતાં મ્યુચ્યુઅલ ફંડોની ઇક્વિટી સ્કીમો અને એસઆઇપી અંતર્ગત આવતા રોકાણના પ્રવાહમાં સતત વધારો નોંધાયો છે, જેના કારમે ફંડો તેમનું રોકાણ નોંધપાત્ર પ્રમાણમાં વધારી શક્યા છે. 2024-25માં મ્યુચ્યુઅલ ફંડોની ઇક્વિટી સ્કીમોમાં કુલ રૂ. 4.2 લાખ કરોડનું રોકાણ આવ્યું હતું, જે પાછલા વર્ષ 2023-24થી આશરે બે ગણું છે.