નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે (એનસીએલએટી)એ દેવામાં સપડાયેલી સિન્ટેક્સ પ્લાસ્ટીક ટેક્નોલોજીનું લિક્વિડેશન કરવાના આદેશને માન્ય રાખ્યો છે.

એનસીએલએટીના બે સભ્યોની બનેલી બેંચે આ કંપનીની ખરીદી કરવા માટેના અસફળ બિડરે જે રજુઆત કરી હતી તેને પણ ફગાવી દીધી હતી. આ રજુઆતમાં આ બિડરે જણાવ્યું હતું કે કંપનીની કમિટિ ઓફ ક્રેડિટર્સની એક માત્ર મેમ્બર આરબીએલ બેંક વોટિંગમાં ગેરહાજર રહી હતી, તેમ છતાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (એનસીએલટી) લિક્વિડેશનનો ઓર્ડર આપ્યો હતો. એનલીએલએટીએ પોતાના ચુકાદામાં એવી નોંધ કરી હતી કે અપીલ કરનારી કંપની શુભલક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટે જે રિઝોલ્યુશન પ્લાન રજુ કર્યો હતો તેની તરફેણમાં કમિટિ ઓફ ક્રેડિટર્સની એક માત્ર સભ્ય એવી આરબીએલ બેંકે વોટિંગ કર્યું ન હતું. આથી આરબીએલએ પોતાની વિવેકબુદ્ધિ વાપરી છે અને વોટિંગથી દુર રહી છે એમ માની શકાય છે. સુપ્રિમ કોર્ટે કે શશીધરના કેસમાં કમિટિ ઓફ ક્રેડિટર્સ દ્રારા જે વિવેકબુદ્ધિ વાપરવામાં આવી છે તેને મહત્ત્વની ગણાવી છે, જે બાબતને આ ચુકાદો આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવી છે. આથી અસફળ બિડર દ્રારા આ કારણને આગળ ધરીને લિક્વિડેશનના ઓર્ડરને રદ કરવાની જે માંગ કરવામાં આવી છે તેને માન્ય રાખી શકાય નહીં.