પાછલા વર્ષે આઇપીઓ માર્કેટમાં જોવા મળેલી ધૂમ તેજીને પગલે હ્યુન્ડાઇ મોટર્સ અને સ્વિગી જેવા મોટા કદના આઇપીઓમાં વિદેશી રોકાણકારોને મોટો નફોને રોકડી કરવાની તક મળવાથી અને વૈશ્વિક સપ્લાય ચેનના રિબેલેન્સિંગના કારણે સ્થાનિક ખેલાડીઓએ વિદેશમાં રોકાણ વધારતા વર્ષ 2024-25માં ભારતમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

સમીક્ષા હેઠળના વર્ષમાં ભારતમાં નેટ એફડીઆઇનો આંકડો 353 મિલિયન ડોલર રહ્યો છે, જેની તુલનાએ પાછલા વર્ષ 2023-24માં આ આંકડો 10 બિલિયન ડોલર હતો, એવી માહિતી આરબીઆઇએ પ્રસિદ્ધ કરેલા આંકડા પરથી મળે છે. આમ નેટ એફડીઆઇમાં પાછલા વર્ષની તુલનાએ 93 ટકાનો ઘટાડો નોંધાયો છે. આરબીઆઇએ જણાવ્યા મુજબ ભારતમાં કરવામાં આવેલું સીધું વિદેશી રોકાણ પાછું ખેંચાતા એફડીઆઇના પ્રવાહમાં આટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ કરવામાં આવેલા રોકાણને પાછું ખેંચાતા નેટ એફડીઆઇનો આંકડો ઘટયો છે. 2024-25માં ભારતમાંથી 49 બિલિયન ડોલરનું એફડીઆઇ પરત ખેંચાયું હતું, જેની તુલનાએ પાછલા વર્ષમાં આ આંકડો 41 અબજ ડોલર હતો. 2024-25માં ભારતમાં આવેલા એફડીઆઇના ગ્રોસ ઇનફ્લોનો આંકડો 13.7 ટકા વધીને 81 અબજ ડોલર નોંધાયો હતો, આમ છતાં નેટ એફડીઆઇ ઘટયું છે.

આ રીતે એફડીઆઇના નોંધપાત્ર આઉટફ્લો માટે મોટા આઇપીઓના માધ્યમથી વિદેશી રોકાણકારોએ રોકાણ પરત ખેંચ્યુ તે બાબત જવાબદાર છે. ખાસ કરીને પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ અને વેંચર કેપિટલ ફંડોએ આઇપીઓ બજારમાં તેજીનો લાભ ઉઠાવી તેમના શેર આઇપીઓ અંતર્ગત ફાળવણી કરીને અથવા તો કંપની લિસ્ટ થયા પછી શેરબજારમાં હિસ્સાનું વેચાણ કરીને રોકડી કરી છે. ઉદાહરણ તરીકે જોઇએ તો હ્યુન્ડાઇ મોટરે પોતાના 100 ટકા હિસ્સાને રૂ. 27,280 કરોડના આઇપીઓ પછી ઘટાડીને 82.5 ટકા કરી દીધો હતો અને આ શેર આઇપીઓ અંતર્ગત ફાળવવામાં આવ્યા હતા. આમાંથી જે નફો થયો તેને કંપનીએ ભારતમાંથી કમાણી કરીને ઘરભેગો કર્યો હતો. આ ઉપરાંત એક ટોચના વિદેશી રોકાણકારે સ્વિગીનો આઇપીઓ આવ્યો તે પછી તેના શેર વેચીને આશરે 2 અબજ ડોલરની રોકડી કરી હતી.