• લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, સેક્ટોરલ-થિમેટિક ફંડોમાં પ્રવાહ ઘટયો

  • જૂનમાં 1.07 લાખ કરોડના નેટ આઉટફ્લોની સામે ડેટ ફંડોમાં 40,000 કરોડનો નેટ ઇનફ્લો
  • મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટ જુલાઇ મહિનામાં વધીને રૂ. 65 લાખ કરોડની વિક્રમી ટોચે

ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ આવતા રોકાણનો પ્રવાહ જુલાઇ મહિનામાં 8.61 ટકા ઘટીને રૂ. 37,113 કરોડ થયો છે, જેના માટે લાર્જ કેપ, મિડ કેપ ફંડ, સ્મોલ કેપ ફંડ ઉપરાંત જેમાં સૌથી વધારે રોકાણ આવે છે તે સેકટોરલ થિમેટિક ફંડમાં પણ આવતો પ્રવાહ ઘટયો તે બાબત જવાબદાર છે.

અગાઉ જુન મહિનામાં આ પ્રવાહ માસિક ધોરણે 17 ટકા વધીને રૂ. 40,608 કરોડના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. દરમિયાન જુલાઇ મહિનામાં ઇક્વિટી ફંડોમાં સતત 41માં મહિનામાં રોકાણનો પ્રવાહ અવરિત એટલે કે પોઝિટીવ ઝોનમાં જોવા મળ્યો છે. જોકે એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાએ જારી કરેલા આંકડા મુજબ જુલાઇ મહિનામાં ઇક્વિટી અને .ડેટ સ્કિમોમાં કુલ રૂ. 1.90 લાખ કરોડનો નેટ ઇનફ્લો જોવા મળ્યો હતો, જેની તુલનાએ જુન મહિનામાં રૂ. 43,637 કરોડનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. આટલા ઇનફ્લો સાથે જુલાઇ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોની એસેટ અન્ડર મેનેજમેન્ટનો આંકડો રૂ. 65 લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચ્યો છે, જે પાછલા મહિનામાં રૂ. 61.15 લાખ કરોડ હતો. જુલાઇ મહિનામાં ડેટ ફંડોમાં રૂ. 40,000 કરોડનો નેટ ઇનફ્લો જોવા મળ્યો છે, જેની તુલનાએ જુન મહિનામાં રૂ. 1.07 લાખ કરોડનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. જુલાઇ મહિનામાં કુલ એમએફ ફોલિયો એટલે કે ખાતાની સંખ્યા 19.84 કરોડ પર પહોંચી છે. માત્ર રિટેલ ઇન્વેસ્ટર્સના ફોલિયોની સંખ્યા પણ 15.89 કરોડ થઇ છે જે જુનમાં 15.32 કરોડ હતી.

એસઆઇપીનો પ્રવાહ 10 ટકા વધી રૂ. 23,332 કરોડના વિક્રમી સ્તરે

જુલાઇ મહિનામાં ઇક્વિટી ફંડોમાં આવતા નેટ રોકાણનો પ્રવાહ ભલે ઘટયો હોય પરંતુ એસઆઇપીમાં આવતા નેટ ઇનફ્લોનો આંકડો આ મહિનામાં માસિક ધોરણે 10 ટકા વધીને રૂ. 23,332 કરોડના વિક્રમી સ્તરે પહોંચ્યો છે, જે પાછલા મહિનામાં રૂ. 21,162 કરોડ હતો. આવી જ રીતે એસઆઇપી અંતર્ગતની એસેટ અન્ડર મેનેજમેન્ટ પણ રૂ. 13.09 લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચી છે, જેનો આંકડો જુલાઇમાં રૂ. 12.43 લાખ કરોડ હતો.જુન મહિનામાં એસઆઇપી ખાતાની સંખ્યા 8.99 કરોડ હતી તે જુલાઇમાં વધીને 9.34 કરોડના વિક્રમી સ્તરે પહોંચી છે.


  • Follow us on: