જુલાઇ, 2024માં સુપ્રિમ કોર્ટે આપેલા એક ચુકાદાની અસર હવે સિમેન્ટ ક્ષેત્ર પર પડે એવી શક્યતા છે. સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સરકારોને ખનીજના ઉત્પાદનના રોયલ્ટી વસુલવા ઉપરાંત આવા ખનીજકામ પર વેરા વસુલ કરવાની પણ સત્તા છે. આ ચુકાદાને પગલે તામિલનાડુની સરકારે એક નવો કાયદો લાગુ કર્યો છે અને 20મી ફેબ્રુઆરીથી તામિલનાડુમાંથી થતા લાઇમસ્ટોનના ઉત્પાદન પર પ્રતિ ટન રૂ. 160નો વેરો લાદ્યો છે.
જો અન્ય રાજ્યો પણ આ પ્રકારના કાયદા લાગુ કરીને તામિલનાડુને અનુસરે તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ઉત્પાદનનો ખર્ચ વધે એવી શક્યતા છે.લાઇમસ્ટોન એ સિમેન્ટના ઉત્પાદન માટેનો એક મુખ્ય કાચો માલસામાન છે. સિમેન્ટના ઉત્પાદનમાં કાચા માલસામાન પેટે જે ખર્ચ થાય છે તેમાં 65 ટકા હિસ્સો
લાઇમસ્ટોનનો હોય છે અને કુલ ઉત્પાદન ખર્ચમાં કાચા માલસામાન પેટે થતો ખર્ચ 20થી 22 ટકા જેટલો છે. સિમેન્ટ ઉત્પાદન કંપનીને જે કુલ વેચાણ થાય છે તેનાથી 80થી 85 ટકા જેટલો ખર્ચ ઉત્પાદનમાં થતો હોય છે.
ભારતની અગ્રણી ઉત્પાદક કંપનીઓ ઇન્ડિયા સિમેન્ટ્સ, રામકો સિમેન્ટ્સ અને દાલમિયા ભારત સિમેન્ટ તેમની કુલ ઉત્પાદન ક્ષમતામાંથી અનુક્રમે 90 ટકા, 51 ટકા અને 38 ટકા ક્ષમતા તામિલનાડુમાં ધરાવે છે. આથી આ ત્રણેય કંપનીઓના ઉત્પાદન માટેના પડતર ખર્ચમાં વધારો થશે. સિમેન્ટ ઉત્પાદક કંપનીઓની ક્લિન્કર ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો રામકોની 52 ટકા ક્ષમતા, દાલમિયાની 23 ટકા ક્ષમતા, અલ્ટ્રાટ્રેકની 4 ટકા અને એસીસીની 2 ટકા ક્ષમતા તામિલનાડુમાં આવેલી છે જે પણ પ્રભાવિત થશે. આ નવા વેરાને લીધે ઉત્પાદન ખર્ચ પ્રતિ ટન લગભગ રૂ. 212 જેટલો વધી જવાનો અંદાજ છે.
ઉત્પાદન ખર્ચમાં આ પ્રકારે વધારાના કારણે રામકો સિમેન્ટ્સના ઓપરેટિંગ પ્રોફિટમાં 10 ટકા ઘટાડો થવાનો અંદાજ છે, જ્યારે દાલમિયાના કિસ્સામાં આ ઘટાડો 3 ટકા જેટલો રહેશે એમ નિષ્ણાતો જણાવે છે. આગામી બે નાણાકીય વર્ષમાં નફો આવી રીતે પ્રભાવિત થતો રહેશે. આથી તામિલનાડુમાં સિમેન્ટનું ઉત્પાદન કરતી સિમેન્ટ કંપનીઓએ તેમના ભાવમાં પ્રતિ બેગ રૂ. 8નો વધારો કરવો પડશે. તામિલનાડુની કંપનીઓ આ પ્રકારે ભાવમાં વધારો કરે તેને પગલે અન્ય રાજ્યોમાં કાર્યરત કંપનીઓ પણ અન્ય રાજ્યો દ્રારા આ પ્રકારે વેરા લાદવામાં આવશે એવા પૂર્વાનુમાન સાથે પાણી પહેલાં જ પાળ બાંધી ભાવમાં વધારો કરે એવી શક્યતા નિવારી શકાતી નથી. ઉલ્લેખનીય કે કર્ણાટક અને ઝારખંડ આ બે રાજ્યોમાં તો આ પ્રકારે લાઇમસ્ટોનના ઉત્પાદન પર વેરો નાંખવાનું વિધેયક મંજૂરીની રાહ જ જોઇ રહ્યું છે.
ભૂતકાળમાં સિમેન્ટ ઉદ્યોગો ઘણી વાર ભાવમાં વધારો કર્યો છે, પરંતુ આવા કેટલાક ભાવવધારા પાછળથી પાછા ખેંચી લેવામાં આવ્યા હોય એવું પણ બન્યું છે. ભાવ વધારા પછી માંગ ઘટી હોય અને પુરવઠો વધારે હોય એવા સંજોગોમાં આવો ભાવવધારો પાછો ખેંચવામાં આવે છે. દક્ષિણ ભારતનું બજાર સિમેન્ટ ક્ષેત્ર માટે છેલ્લા કેટલાક સમયગાળાથી નરમ રહ્યું છે અને આ બજારમાં દેશના અન્ય વિસ્તારોની તુલનાએ સિમેન્ટના ભાવ ઓછા રહ્યા છે. લાઇમસ્ટોનના ઉત્પાદન પર આ પ્રકારે વેરો નાંખવામાં આવ્યો તેને કારણે હાલમાં પહેલેથી દબાણ હેઠળ કારોબાર કરતી દેશની સિમેન્ટ ઉત્પાદક કંપનીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય વર્ષ 2024-25માં સરકારના મૂડીખર્ચમાં આશરે રૂ. 1 લાખ કરોડનો ઘટાડો થયો અને અતિવૃષ્ટિ થઇ તેના કારણે ખાનગી માંગ પણ ઓછી રહેતા સિમેન્ટ ઉદ્યોગ તેની નફાકારકતા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આવામાં આ નવો વેરો તેનો કમર તોડી શકે છે અને શેરબજારમાં સિમેન્ટ કંપનીઓના ભાવ ઘટી શકે છે.