- ગોલ્ડ માર્કેટમાં સરકારી દિશા-નિર્દેશોની 'ઐસી તૈસી'
- ગણતરીના જ્વેલર્સ જ રૂ.દસ લાખથી વધુના વ્યવહારની સંબંધિત વિભાગમાં જાણ કરે છે
- 2023માં ભારતમાં બિનસત્તાવાર રીતે લગભગ 155 ટન સોનાની આયાત કરાયેલી
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશનના દોઢ વર્ષ પછી પણ જ્વેલર્સ ઊંચા મૂલ્યના અથવા શંકાસ્પદ રોકડ વ્યવહારોની જાણ કરવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે.
એક લાખ જ્વેલર્સમાંથી પાંચમાં ભાગથી ઓછાએ સંબંધિત વેપારી સંસ્થાઓમાં નોંધણી કરાવી છે અથવા રૂ. દસ લાખથી ઉપરના હોય તેવા શંકાસ્પદ કે રોકડ વ્યવહારોની જાણ કરી છે. વર્ષ 2023માં સરકારે કિંમતી ઘાતુઓના ડીલરો માટે મની લોન્ડરિંગ વિરોધી ધોરણોનું પાલન કરવા અંગે દિશા-નિર્દેશો જાહેર કર્યા હતા. એક અંદાજ મુજબ સમગ્ર દેશમાં એક લાખથી વધુ જ્વેલર્સ છે. ગંભીર બાબત એ છે કે, રજિસ્ટર્ડ જ્વેલર્સ પૈકી ઘણાં ઓછા લોકો નોડલ ઓફિસરને દસ લાખથી વધુના રોકડ વ્યવહારોની જાણ કરે છે. આ અહેવાલ વચ્ચે એક ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2023માં ભારતમાં બિનસત્તાવાર રીતે લગભગ 155 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. તેમાં પણ નવાઈની વાત એ છે કે, છેલ્લા એક વર્ષમાં કોઈપણ શંકાસ્પદ વ્યવહારોની નોંધ કરાવાઈ નથી.










