વૈશ્વિક ટ્રેડ ટેન્શનમાં ઘટાડો, એફઆઇઆઇની સતત લેવાલી અને ક્રુડના ઘટતા ભાવને પગલે રોકાણકારોના ઉત્સાહમાં વચ્ચે ઇન્ડેક્સ હેવિવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકની આગેવાનીમાં આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અને સુચકાંકો વધારા સાથે બંધ રહ્યા હતા.
ઓટો, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં તેજી વચ્ચે બેકિંગ શેરોમાં નરમાશ જોવા મળતાં સુધારો જોકે સીમિત રહ્યો હતો. આજે નિફ્ટી 2025માં સૌપ્રથમ વાર 24,450ની સપાટીથી ઉપર બંધ રહ્યો હતો. આ સાથે છેલ્લા 16 ટ્રેડિંગ સેશનમાંથી 12 સેશનમાં સુચકાંકો વધારા સાથે બંધ રહ્યા છે અને આ સમયગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી 10 ટકાથી વધારે વધ્યા છે
પ્રારંભે 160 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 81,049ની હાઇ અને 80,657ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 392 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 294 પોઇન્ટ એટલે કે 0.37 ટકા વધીને 80,796ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે પણ ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 81,000ની સપાટી વટાવી હતી. નિફ્ટીએ પણ પ્રારંભે 73 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 24,526ની હાઇ અને 24,400ની લો સપાટી બનાવી હતી અને 126 પોઇન્ટની વધઘટને અંતે 114 પોઇન્ટ એટલે કે 0.47 પોઇન્ટ વધીને 24,461 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ કેપની તુલનાએ આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ઘણી વધારે તેજી જોવા મળી હતી. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 618 પોઇન્ટ એટલે કે 1.45 ટકા વધીને 43,326ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 584 પોઇન્ટ એટલે કે 1.23 ટકા વધીને 47,949ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 1,307 પોઇન્ટ એટલે કે 1.44 ટકા વધીને 92,145ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,202 શેર પૈકી 2,562 વધીને, 1,460 ઘટીને અને 180 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ આજે રૂ. 427.48 લાખ કરોડ એટલે કે 5.07 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે શુક્રવારના રૂ. 422.81 કરોડથી રૂ. 4.67 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 19 અને નિફ્ટીના 50 પૈકી 38 શેર વધીને બંધ રહ્યા હતા. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 0.43 ટકા વધીને 18.34 થયો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી 10 વધીને અને 4 ઘટીને બંધ રહ્યા હતા.